કંપનીએ ગ્રેજ્યુટીની રકમ નહીં ચૂકવતા સેન્ટર લેબર કમિશનર સમક્ષ દાદ માંગવામાં આવી હતી
Rajkot,તા.11
સહારા ઇન્ડિયા રાજકોટ રિજનલ કચેરીમાંથી 26 વર્ષની સેવાબાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કર્મચારીએ તેના હક્કની ગ્રેજ્યુટીની રકમ મેળવવા સેન્ટ્રલ લેબર કમિશનર સમક્ષ દાખલ કરેલી અરજીના ચાર વર્ષ પહેલાંના કેસમાં ગ્રેજ્યુટીની રકમ રૂપિયા 1.91 લાખ 10% વ્યાજ સાથે ૩૦ દિવસમાં ચૂકવી દેવા હુકમ કર્યો છે.
આ અંગેની મુજબ, સહારા ઇન્ડિયા કંપની (લખનૌ હેડ ઓફીસ)ના રાજકોટ રીજન ઓફીસના કર્મચારી ત્રિવેદી દિવ્યકાન્ત પ્રતાપરાયે ૨૬ વર્ષ ફરજ બજાવ્યા બાદ તારીખ ૧૫/ ૦૨/ ૨૦૨૧ના રોજથી સ્વેરછાએ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ દિવ્યકાન્ત ત્રિવેદીએ ગેજયુટીના હકકો માટે અનેક વખત કંપનીમાં રજુઆત કરવા છતાં સહારા ઈન્ડિયા કંપની દ્વારા તેમની ગેજયુટીની રકમનું જ ચૂકવણું કરવામાં આવેલ ન હતું. તેથી તેમણે શ્રમ આયુકત (સેન્ટ્રલ) સમક્ષ ગેજ્યુટીની રકમ માટે કેસ દાખલ કરેલ હતો. અરજદાર વતી વકીલ ભૂષણ વાછરાજાનીએ રજૂઆતો કરી હતી કે ગ્રેજ્યુટી કર્મચારીનો હક છે, સુપ્રીમ કોર્ટની મેટર અલગ છે, તે સબબ ગ્રેજ્યુટી અટકાવી શકાય નહીં તે મતલબની કરેલી રજૂઆતો દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ સેન્ટ્રલ લેબર કમિશનરે દિવ્યકાન્ત ત્રિવેદીની અરજી મંજુર કરીને સહારા ઈન્ડિયા કંપનીના તમામ વાંધાઓને ફગાવી દેવામાં આવેલ હતા સહારા ઈન્ડિયા કંપનીએ ત્રિવેદી દિવ્યકાંન્તને ગ્રેજયુટીની રકમ રૂ. ૧,૯૧,૮૩૫/- ૧૦ % વ્યાજ સાથે ૩૦ દિવસમાં ચુકવી આપવી તેવો હુકમ કર્યો હતો. તેમ છતાં કંપની દ્વારા સમયસર હુકમનું પાલન નહીં કરાતા સેન્ટ્રલ લેબર કમિશનર, કલેકટર તંત્ર મારફત રેવન્યુ રહે વસૂલાતની તજવીજ થતા અંતે સહારા કંપનીએ દિવ્યકાન્ત ત્રિવેદીને તેના હક્કની ગ્રેજ્યુટી ચૂકવવી પડી હતી. સહારા ઇન્ડિયા (લખનઉ)ની કંપની સામે આ કેસમાં ગ્રેજયુટીની રકમ વ્યાજ સાથે ચુકવવાનો હુકમ થતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ કેસમાં અરજદાર વતી એડવોકેટ ભૂષણ કે. વાછરાજાની રોકાયા હતાં.