Dhuleti ની ધમાલ માણવા જતાં મર્યાદા ન ચૂકી જતાં

Share:

હોળી-ધૂળેટીનો તહેવાર આમ તો ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. પરંતુ ઉત્સવપ્રેમી ભારતીય  પ્રજા આ પ્રસંગનું ધાર્મિક મહત્ત્વ ભૂલી જઈ ધમાલ-મસ્તીમાં વધુ રાચે છે. ધૂળેટીના દિવસે તો જુવાનિયાઓ એટલા છકી જાય છે કે આ એક દિવસનો તહેવાર કોઈનો આખો ભવ બગાડે છે. ગમે તેમ ફુગ્ગા મારવાથી,  ઝેરી રંગના વપરાશથી કોઈની આંખો ફૂટે છે તો કોઈને ત્વચાની એલર્જી થાય છે. માથાના વાળ ખરવા માંડે છે.

ગયા વરસની જ વાત છે ધૂળેટીનો તહેવાર હતો. બહાર બધા અબીલગુલાલથી ધૂળેટી રમતા હતા. રમા રસોડામાં રસોઇ કરી રહી હતી. એટલામાં શૈલા ચૂપચાપ મુઠ્ઠીમાં રંગ ભરી પાછળથી આવી. રમા પૂરીઓ તળતી હતી. શૈલાએ એકદમ પાછળથી આવી રમાના મોં પર રંગ છાંટયો. રમાની આંખોમાં રંગ જવાથી એ હાંફળીફાંફળી થઇ ગઇ. કડાઇમાંનું ગરમ તેલ એના હાથ પર ઊડયું. ઘરમાં બર્નોલ, ફ્રીઝમાં ઠંડુ પાણી કે બરફ ન હોવાથી એને ડૉક્ટર પાસે લઇ ગયાં, ત્યાં સુધીમાં તો એના હાથ પર ફોલ્લા થઇ ગયા હતા. આ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે, જો હોળી રમતી વખતે શિષ્ટાચાર અને ઉચિત સ્થળનો ખ્યાલ રાખવામાં ન આવે તો કોઇ અકસ્માત થઇ શકે છે. આમ, રંગભર્યો આ તહેવાર મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધારનાર બની જાય છે.

હોળી-ધૂળેટીના તહેવાર પ્રસંગે ભાંગ કે શરાબ પીવાનો પણ રિવાજ છે. કેટલાક લોકો વધારે પડતી ભાંગ પીને શિષ્ટાચારની હદ વટાવી જાય છે અને રંગોથી રમવાની સાથે એલફેલ શબ્દો પણ બોલે છે. તદુપરાંત, અશ્લીલ ગીતો ગાવાનો અને યુવતીઓ સાથે અશ્લીલ વર્તન કરવાનો આનંદ પણ માણે છે. આ રીતે તેઓ પોતાની ફૂવડ માનસિકતાનો પરિચય આપે છે. પરિણામે, આવા સ્વભાવના માણસો બીજાની દ્રષ્ટિમાંથી નીચે ઉતરી જાય છે. આથી આ તહેવારના દિવસે શિષ્ટાચારનો ખ્યાલ અવશ્ય રાખવો.

કેટલાક લોકો રંગવાળું પાણી લઇ છેક ડ્રોઇંગરૂમમાં આવી જાય છે. ત્યારબાદ અત્યંત પ્રેમથી મળીને ચારે તરફ રંગવાળું પાણી ઢોળી, ગંદકી કરી જાય છે, જેથી ડ્રોઇંગરૂમની દીવાલો અને પડદા ખરાબ થઇ જાય છે. આ વર્ષે હોળીના દિવસે આમ ન બને તેનો ખ્યાલ અવશ્ય રાખજો. જોકે સોસાયટીના તમામ લોકો સાથે મળીને ઘરમાં હોળી રમવાને બદલે નજીકના મેદાનમાં, બગીચામાં કે કોઇ અન્ય સ્થળે હોળી રમે તો વધારે સારું.

હવે વળી નવી પ્રથા શરૂ થઇ છે. ‘માનવ સ્વરૂપમાં શેતાન’, ‘એક કેરીથી ટોપલાની બધી કેરીઓ સડી જાય છે’, ‘ધોબીનો કૂતરો, નહીં ઘરનો નહીં ઘાટનો’ વગેરે લખાણવાળા કાર્ડ હોળીના દિવસે એકબીજાને મોકલે છે. એમ તો સોસાયટી, સ્કૂલો તથા ઓફિસોમાં હોળીના દિવસે ‘આજે તો હોળી છે’ના ઓઠા હેઠળ આવું કહેવાની પ્રથા છે. પરંતુ તેનાથી ક્યારેક કોઇ વ્યક્તિને મનદુ:ખ થાય, એવું પણ બને. આથી લખાણવાળા કાર્ડ કે કંઇ ઉપાધિ આપતાં પહેલાં એટલો ખ્યાલ અવશ્ય રાખવો કે તે કટાક્ષયુક્ત હોવા છતાં કોઇને મનદુ:ખ થાય તેવાં ન જ હોવા જોઇએ.

કેટલાક લોકો હોળીના દિવસે રંગોને બદલે વાર્નિસ, મેશ, પેટ્રોલ, કીચડ અને કાળા, પીળા, જાંબલી જેવા પાકા રંગનો ઉપયોગ પણ કરતાં હોય છે. એકવાર હોળીના દિને કોઇએ સુનીતાના વાળમાં રંગની સાથે તકમરિયા ભેળવી એના પર પાણી રેડયું. જોતજોતામાં એના વાળ એકબીજા સાથે ચોંટીને એવા ગૂંચવાઇ ગયા કે એ વાળ ધોવા ગઇ તો તે વધારે ગૂંચવાઇ ગયા. છેવટે કેટલાય કલાક સુધી એણે પોતાનાં ભાભીની મદદ લઇ વાળની ગૂંચ ઊકેલી. હોળીના તહેવારે આવું વર્તન કરવું યોગ્ય નથી.

શક્ય હોય ત્યાં સુધી આછા રંગનો જ ઉપયોગ કરો.જો સારા ગુલાલ તથા અબીલથી હોળી રમવામાં આવે તો સર્વશ્રેષ્ઠ. પાણીવાળા રંગથી હોળી રમવી હોય તો પણ એવા રંગ વાપરો, જે કપડાં તથા શરીર પરથી સહેલાઇથી ધોઇ શકાય. તમારી રંગપસંદગી પરથી તમારી શાલીનતા વ્યક્ત થવી જોઇએ. હોળીના દિવસે નીચે જણાવેલ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો:

* હોળી રમતાં પહેલાં અગાઉથી પ્લેટમાં નાસ્તો તૈયાર કરો, જેથી અતિથિઓને તરત જ નાસ્તો કરાવી શકાય.

* હોળી રમતાં પહેલાં તમારાં કિંમતી ઘરેણાં, ઘડિયાળ વગેરે કાઢીને સુરક્ષિત સ્થળે મુકી દો.

* શરીરનાં જે અંગ ખુલ્લા રહેતા હોય, જેમ કે હાથ, ગળું, ચહેરો વગેરે તેમના પર ક્રીમ કે તેલ અવશ્ય લગાવો. આના લીધે ત્વચા પર રંગોની અસર ઓછી થશે.

* હોળીના દિવસે એટલાં બધાં જૂના કપડાં ન પહેરવાં કે દોડધામ અથવા ખેંચતાણ કરતાં ફાટી જાય. વધારે સારું તો એમ છે કે તમે હોળીના આગલા દિવસે એ કપડાં પહેરીને ચકાસી લો કે ક્યાંયથી તે ફાટેલાં કે ઉતરડાયેલા ન હોય.

* મહિલાઓએ બ્રા-પેન્ટી અવશ્ય પહેરવી. હોળીના દિવસે જે કપડાં પહેરો, તે ઘેરા રંગના અને જાડા કાપડાનાં હોવાં જોઇએ. પાણીમાં પલળવાથી તે પારદર્શક ન બને તેનો ખ્યાલ રાખો. વાળ પણ ખુલ્લા ન રાખવા.

* તમારા સ્કૂટર, કાર વગેરે વાહનોને ગેરેજમાં જ મૂકવાં. એવું ન બને કે હોળીની મસ્તીમાં ભાન ભૂલેલા લોકો વાહનોને નુકસાન પહોંચાડે અને તેમના પર ચિતરામણ કરી દે. પરિણામે, તમારે બીજા દિવસે રજા રાખીને વાહન સરખું કરાવવું પડે.લગભગ ઘણા ખરા લોકોની એવી ઇચ્છા હોય છે કે ધૂળેટીના રંગથી આપણે ભલે બીજાને રંગીએ, પરંતુ કોઇ આપણને રંગી ન જાય. બસ, આ ધાંધલધમાલમાં અકસ્માતો બને છે. પરિણામે ઉમંગ અને પ્રેમભાવભર્યો આ તહેવાર મતભેદ અને ઝઘડાના દિવસમાં પલટાઇ જાય છે. પ્રેમમિશ્રિત રંગોનું સ્થાન કટુતા લઇ લે છે. ક્યારેક તો આ કટુતા લોકો વચ્ચે કાયમ માટે દીવાલરૂપ બની જાય છે. આથી રંગોથી રમતી વખતે તમારા કોઇ પ્રકારના વર્તનથી બીજાને દુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *