ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા હાલમાં પોતાની ચિપ પર કામ કરી રહી છે. આ ચિપ તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે બનાવી રહ્યા છે. અત્યાર સુધી મેટા આ માટે NVIDIAની ચિપનો ઉપયોગ કરતી આવી છે. જોકે હવે તેઓ પોતાના AI માટે પોતે ચિપ બનાવી રહ્યા છે. આ માટે ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, પરંતુ મેટા ભવિષ્યના તેમના પ્લાન પર ફોકસ કરીને આ ચિપ બનાવી રહી છે.
મેટાની જેટલી પણ AI ટેકનોલોજી છે એ માટે ખૂબ જ વધુ કમ્પ્યુટિંગ પાવરની જરૂર છે. આ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ખૂબ જ વધુ ખર્ચ થાય છે. પોતાની ચિપને ડિઝાઇન કરીને મેટા આ ખર્ચને ઓછો કરવા માગે છે. 2025 માટે મેટા કંપની દ્વારા આ પ્રોજેક્ટ પાછળ 114થી 119 બિલિયન અમેરિકન ડોલર ફાળવવામાં આવ્યા છે. એમાંથી ફક્ત 65 બિલિયન તો AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે છે. મેટા હાલમાં NVIDIAની ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટનો ઉપયોગ કરે છે. આ ચિપ AIને ટ્રેઇન કરવા અને એના દ્વારા ટાસ્ક પૂરા કરાવવા માટે કરવામાં આવે છે. પોતાની ચિપ બનાવવામાં આવે તો મેટા એ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કન્ટ્રોલ કરવાની સાથે આત્મનિર્ભર બની શકે છે. આથી તેમને સપ્લાયર પર નિર્ભર રહેવું નહીં પડે. મેટા દ્વારા પોતે કસ્ટમાઇઝ ચિપ બનાવવામાં આવી હોય તો એના આધારે કંપની ચોક્કસ હાર્ડવેર પણ બનાવી શકે છે. આ ચિપ અને હાર્ડવેરને કારણે AIનો વર્કલોડ ઓછો થઈ શકે છે. એ ઓછું થતાં AI ઝડપમાં ચાલશે અને સારું પર્ફોર્મન્સ આપશે.
કસ્ટમ ચિપ બનાવવી એમાં પણ ઘણું જોખમ હોય છે. મેટાએ ભૂતકાળમાં આવી કોશિશ કરી હતી, પરંતુ નિષ્ફળ રહી હતી. ટેસ્ટિંગ દરમ્યાન નિષ્ફળતા મળતા મેટાએ પ્રોજેક્ટ અટકાવ્યો હતો. હવે ફરી કંપની આ પ્લાન પર કામ કરી રહી છે. જો ટેસ્ટમાં સફળ રહી, તો પ્રોડક્શન વધારવામાં આવશે. 2026 સુધી રિકોમેન્ડેશન સિસ્ટમ માટે આ ચિપનો ઉપયોગ કરવાનું પ્લાનિંગ છે.
આ ટેકનોલોજી સફળ બનાવી મેટા માત્ર પૈસા બચાવી શકશે નહીં, પણ AIની રેસમાં આગળ પણ નિકળી જશે. ટેક ઇન્ડસ્ટ્રીમાં મેટા લીડર બનશે અને અન્યોને ચોક્કસ ચિપ બનાવવા પ્રેરે છે. હવે સૌના ધ્યાનમાં મેટાના પેમાને સફળતા-નિષ્ફળતા નક્કી થાય છે.