હોળી-ધુળેટીના તહેવારોના પગલે મુસાફરોના ધસારાને પહોંચી વળવા વડોદરાથી એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ
Vadodara,તા.૧૧
હોળી-ધુળેટીના તહેવારોના પગલે એસટી તંત્ર દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા પાંચ દિવસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા ડિવિઝનમાંથી ગઈકાલથી એક્સ્ટ્રા બસ દોડાવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે તા.૧૪ સુધી ચાલુ રહેશે. ગઈકાલે વડોદરાથી ૫૪ બસ દોડાવવામાં આવી હતી. તા.૧૨ ના રોજ ૧૧૦ બસ, તા.૧૩ના રોજ ૭૫ અને તા.૧૪ ના રોજ ધુળેટીના દિવસે ૨૦ બસ દોડાવવામાં આવશે. આમ, પાંચ દિવસ દરમિયાન આશરે ૨૫૯ બસ દોડાવવામાં આવશે.
આ બધી બસ ખાસ કરીને દાહોદ, ગોધરા, ઝાલોદ, સંતરામપુર, લુણાવાડા એટલે કે પંચમહાલ અને મહીસાગર જિલ્લા તરફ વધુ દોડે છે, તેનું કારણ એ કે આ જિલ્લામાંથી કામ ધંધા અર્થે આદિવાસી પરિવારો શહેરમાં આવેલા હોય છે, જે હોળી-ધુળેટીનો તહેવાર મનાવવા વતન જતા હોય છે. એસટી વિભાગ દ્વારા જણાવાયું હતું કે મુખ્યત્વે ટ્રાફિકનો ઘસારો કેવો રહે છે તેના આધારે પણ વધુ બસ દોડાવવા માટે નિર્ણય લેવાતો હોય છે. આમ પણ ગુજરાતમાં હોળી ધુળેટીના તહેવારોના પગલે એસટી તંત્ર દ્વારા ૧,૨૦૦ એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ડાકોર ,દ્વારકા જેવા ધાર્મિક તીર્થસ્થાનો અને પંચમહાલ, છોટાઉદેપુર તરફ જવા ઘસારો વધુ હોવાથી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવે છે.