વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજના એલ્યુમિની મયુર ચૌહાણ કોલેજની મુલાકાતે 

Share:

Girgadhda,તા.21

રાજ્યના ઉચ્ચ મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે હર-હંમેશ પસંદગીની પ્રથમ હરોળમાં રહેલ અને રાજ્ય સ્તરની અગ્રીમ તેવી વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ (VGEC) માં વિદ્યાર્થીઓના ઇજનેરી અને તકનીકી કૌશલ્યની સાથો સાથ તેઓમાં રહેલ વિવિધ ક્ષમતાઓને વિકસાવવા માટેની શ્રેષ્ઠ તકો પૂરી પાડવા અને તે પ્રકારના વાતાવરણનું નિર્માણ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું સતત આયોજન કરવામાં આવતું હોય છે. શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઉપરાંત વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓથી VGEC સતત ગૌરન્વિત બની રહેલ છે. આવા જ અભિગમ થકી સંસ્થાના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિદ્યાશાખાના એલ્યુમિની શ્રી મયુર ચૌહાણે ગુજરાતી સિનેમામાં ખૂબ જ નોંધપાત્ર સ્થાન હાંસલ કરી સંસ્થા અને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ સફળતા મેળવેલ છે. તેઓનું અભિવાદન કરવા તેમજ યુવા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને તેઓની સક્સેસ સ્ટોરી થી વાકેફ કરવા શ્રી મયુર ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને તેઓનું સંસ્થા સ્તરે હાલમાં કાર્યરત એલ્યુમિની પોર્ટલ પર લાઇવ રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું.

સંસ્થાના આચાર્ય ડૉ. વી. એસ. પુરાણી એ શ્રી મયુર ચૌહાણનું ઉષ્માભર્યું સ્વાગત કરી સ્મૃતિચિહ્ન આપીને તેઓને આવકાર્યા હતા. ડૉ. પુરાણીએ વિદ્યાર્થીઓની કારકિર્દી સબબ સંસ્થાની પ્રતિબદ્ધતા, વિવિધ પ્રવૃતિઓનું આયોજન અને વિદ્યાર્થીઓની સફળ કારકિર્દી વિશે સંસ્થા સ્તરના આયોજન થી શ્રી ચૌહાણને વાકેફ કર્યા હતા. આચાર્યશ્રી ની ઉપસ્થિતિમાં શ્રી ચૌહાણે VGEC-Alumni પોર્ટલ પર તેઓની નોંધણી કરીને VGEC એલ્યુમની એસોસિએશન (VAA) નું ગૌરવપૂર્ણ સભ્યપદ લીધું અને તેઓને VGEC-Alumni પોર્ટલની વિશેષતાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

ડૉ. પુરાણી સાથેની ચર્ચા દરમિયાન, શ્રી ચૌહાણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને ફિલ્મ નિર્માણમાં ટેકનોલોજીની વિકસતી ભૂમિકા વિશે તેમના મંતવ્યો શેર કર્યા. તેઓના IT બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરી, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેવી રીતે ફિલ્મ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી રહી છે તેના પર પ્રકાશ પાડયો હતો. ‘Al એ ભવિષ્ય નથી; તે વર્તમાન છે. કોઈ પણ વ્યક્તિ AI ને તેમના કાર્યમાં એકીકૃત કર્યા વિના વિકાસ કરી શકે નહીં” તેમ સર્જનાત્મક કલામાં ટેક્નોલોજીની નિર્ણાયક ભૂમિકા દર્શાવતી ટિપ્પણી કરી હતી.

આવી પહેલ માટે પ્રશંસા વ્યક્ત કરતાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, ‘આ પોર્ટલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે VGEC ની વૃદ્ધિમાં પુનઃજોડાણ, સહયોગ અને યોગદાન આપવાનો ઉત્તમ માર્ગ છે.” તેઓએ VGEC ના અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ પોર્ટલ પર નોંધણી કરીને VAA માં જોડાવા આહવાન કરી, સંસ્થામાંથી વિવિધ વિદ્યાશાખામાં નિપુણતા કેળવી હાલ કારકિર્દીમાં લાગેલ તમામ એલ્યુમિનીનું એક ઉદાહરણ રૂપ નેટવર્ક બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

શ્રી મયુર ચૌહાણે ગુજરાતી સિનેમામાં મેળવેલ સ્થાન અને લોકપ્રિયતાથી પ્રભાવિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉત્સાહપૂર્વક તેઓની સાથે સંવાદ કરવા તથા ફોટોગ્રાફ્સ લેવા માટે એકઠા થયા હતા અને આ અદભુત ક્ષણને માણી હતી.

શ્રી ચૌહાણે ત્યારબાદ પોતાના અભ્યાસ સ્થળ એવા IT વિભાગની મુલાકાત લીધી હતી. તેઓએ તેમના અભ્યાસકાળના વર્ગખંડો, પ્રયોગશાળાઓ પરિસર વિગેરેની મુલાકાત લીધી અને તેઓના વિદ્યાર્થીકાળના દિવસોની યાદો ફરી તાજી કરી હતી અને સંસ્થા ખાતેના તેઓના સંસ્મરણો વાગોળ્યા હતા. વર્તમાન વિદ્યાર્થીઓ તેઓની સાથે સંવાદ કરવા આતુર હતા અને તેઓએ એકત્રિત થયેલા તમામ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં એન્જિનિયરિંગ સ્નાતકથી મનોરંજન ઉદ્યોગમાં સફળ અભિનેતા સુધીની તેઓની પ્રેરણાદાયી સફર ની વાત કરી હતી. પડકારો પ્રત્યેના તેમના પ્રેમ, વિવિધ ભૂમિકાઓ પસંદ કરવા માટેના તેઓના અભિગમ અને અભિનયને કારકિર્દી તરીકે આગળ વધારવામાં આવતા અવરોધો વિશે વાત કરી હતી. વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્યમાં મક્કમ રહેવા માટે પ્રોત્સાહિત કરતાં, તેઓએ કહ્યું, ‘પડકારો આપણે કોણ છીએ તેને આકાર આપે છે. અભિનય હોય કે અન્ય કોઈ કારકિર્દી, દ્રઢતા અને જુસ્સો જ સફળતાની ચાવી છે.” વિદ્યાર્થીઓને અવરોધો છતાં તેમની આકાંક્ષાઓને સ્વીકારવા માટે પ્રેરણા આપી.

શ્રી ચૌહાણે સર્જનાત્મકતાને પોષવા અને મહત્વાકાંક્ષી કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે VGEC ના ડ્રામા ક્લબની પ્રશંસા કરી અને ભવિષ્યમાં જરૂર પડયે ડ્રામા ક્લબના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે તેમ જણાવ્યું હતું. આચાર્ય ડૉ. પુરાણીએ શ્રી ચૌહાણની સિદ્ધિઓને બિરદાવી હતી અને તેમના ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતાની મુલાકાતથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને નવી પ્રેરણા મળી અને અત્યારના

ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં પણ વિદ્યાર્થીમાં જો અભિનય ક્ષમતા હોય તો મનોરંજન સેક્ટરમાં પણ શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે છે તેવો સ્પષ્ટ મેસેજ આ મુલાકાતે વિદ્યાર્થીઓને આપ્યો છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *