Vadodara,તા.06
અન્ય શહેરોની જેમ વડોદરાની હવા પણ વર્ષે દર વર્ષે વધારેને વધારે પ્રદૂષિત થઈ રહી છે અને તેની પાછળ કચરાનો સળગાવી દઈને નિકાલ કરવાનું પરિબળ મોટો ભાગ ભજવી રહ્યું છે તેવુ એક સર્વેમાં બહાર આવ્યું છે.આ સર્વે પ્રમાણે વડોદરામાં રોજ સરેરાશ ચાર થી ૬ મેટ્રિક ટન કચરો સળગાવવામાં આવે છે.જેના ધૂમાડા હવાને પ્રદૂષિત કરે છે.
વડોદરા દેશના એવા શહેરો પૈકીનું એક છે જ્યાં હવાની ગુણવત્તા નેશનલ ક્લીન એર પ્રોગ્રામના ભાગરુપે નક્કી થયેલા રાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલા ધારા ધોરણો પ્રમાણે નહોતી.આ સ્થિતિ કેમ સર્જાઈ છે તેની જાણકારી મેળવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વર્લ્ડ રિસોર્સીસ ઈન્સ્ટિટયુટ દ્વારા ૨૦૨૩માં મે મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં એમ બે વખત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.ૅજેમાં શહેરમાં ખુલ્લામાં કેટલો કચરો બાળવામાં આવે છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો.સર્વે માટે શહેરને અલગ અલગ પ્રકારના સોશિયોઈકોનોમિક ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું.
આ સર્વેના જે તારણ સામે આવ્યા છે તે પ્રમાણે શહેરમાં ઉનાળા દરમિયાન સરેરાશ ૬ મેટ્રિક ટન અને શિયાળામાં ચાર મેટ્રિક ટન કચરો બાળવામાં આવે છે.આ ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં કચરો બાળવાની સમસ્યા સૌથી વધારે અને ઘણી ગંભીર છે.એ પછી મધ્યમ વર્ગીય વસતી જ્યાં વધારે રહે છે તેવા વિસ્તારોમાં કચરો બાળવાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું હતું.ત્રીજા ક્રમે ઓછી આવકવાળા વિસ્તારો અને ચોથા ક્રમે પોશ વિસ્તારો હતા.
સર્વેમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે કચરો બાળવામાં આવે છે તેમાં પ્લાસ્ટિક, ઈ વેસ્ટ, રબર, સ્ટાયરોફોમની વસ્તુઓનો સમાવેશ થતો હોય છે અને તેને બાળવામાં આવે ત્યારે તેનો ઝેરીલો ધૂમાડો લોકોના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો કરે છે.જ્યાં નિયમિત રીતે ખુલ્લામાં કચરો બાળવામાં આવે છે તે સ્થળથી નજીક રહેતા લોકો પર કેન્સરનો ખતરો પણ રહે છે.દરમિયાન કોર્પોરેશનના સત્તાધીશોએ હવાની ગુણવત્તા સુધારવા માટે જાહેરમાં કચરો બાળનારા લોકોની સામે કડક કાર્યવાહી કરવાની યોજના પણ બનાવી છે.જોકે કોર્પોરશનની બીજી યોજનાઓની જેમ તે કાગળ પર રહેશે કે તેનો અમલ થશે તે એક સવાલ છે.
કચરો બાળવાની કેટલી ઘટનાઓ
ઉનાળામાં
ઔદ્યોગિક વિસ્તારમાં ૪૩
મિડલ ક્લાસ વિસ્તારમાં ૨૪
લોઅર મિડલ ક્લાસ વિસ્તારમાં ૨૧
હાયર મિડલ ક્લાસ વિસ્તારાં ૧૧
શિયાળામાં
ઔદ્યોગિક વિસ્તારમાં ૪૩
મિડલ ક્લાસ વિસ્તારમાં ૨૫
લોઅર મિડલ ક્લાસ વિસ્તારમાં ૨૧
હાયર મિડલ ક્લાસ વિસ્તારમાં ૨૦
દર ચોરસ કિમીએ સળગાવાતો કચરો
ઉનાળામાં
ઔદ્યોગિક વિસ્તારમાં ૩૦૪ કિલો
મિડલ ક્લાસ વિસ્તારમાં ૧૧૨ કિલો
લોઅર મિડલ ક્લાસ વિસ્તારમાં ૧૨૮ કિલો
હાયર મિડલ ક્લાસ વિસ્તારમાં ૫૪ કિલો
શિયાળામાં
ઔદ્યોગિક વિસ્તારમાં ૧૪૬ કિલો
મિડલ ક્લાસ વિસ્તારમાં ૧૦૧ કિલો
લોઅર મિડલ ક્લાસ વિસ્તારમાં ૭૩ કિલો
હાયર મિડલ ક્લાસ વિસ્તારમાં ૪૭ કિલો
રોજ કેટલો કચરો સળગાવાય છે
ઉનાળામાં
ઔદ્યોગિક વિસ્તારમાં સાત મેટ્રિક ટન
મિડલ ક્લાસ વિસ્તારમાં આઠ મેટ્રિક ટન
લોઅર મિડલ ક્લાસ વિસ્તારમાં ૩ મેટ્રિક ટન
હાયર મિડલ ક્લાસ વિસ્તાર પાંચ મેટ્રિક ટન
શિયાળામાં
ઔદ્યોગિક વિસ્તારમાં ૪ મેટ્રિક ટન
મિડલ ક્લાસ વિસ્તારમાં ૭ મેટ્રિક ટન
લોઅર મિડલ ક્લાસ વિસ્તારમાંબે મેટ્રિક ટન
હાયર મિડલ ક્લાસ વિસ્તાર ચાર મેટ્રિક ટન