ગૃહપ્રધાન અમિત શાહે આર્કિયોલોજિકલ Experience Museumનું કર્યું લોકાર્પણ

Share:

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કહ્યું કે વડનગરના ૨૫૦૦ વર્ષના ઈતિહાસને પ્રત્યક્ષ અનુભવવાનો મળશે અવસર

Vadnagar, તા.૧૬

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે વડનગરમાં ખાતે આવેલા પુરાતત્ત્વ પ્રાયોગિત સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું છે. ૨૯૮ કરોડના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે. “અનંત અનાદિ વડનગર”. એ નગર કે જે ભારતના સૌથી પ્રાચીન નગરોમાંથી એક મનાય છે. ગુજરાતની ઐતિહાસિક નગરી તરીકે પ્રસિદ્ધ વડનગરમાં હવે ભવ્ય ઈતિહાસની ઝાંખીની જોવાની તક મળવાની છે. વડનગરમાં દેશનું પહેલું અને વિશ્વનું બીજું સૌથી મોટું આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર થઈ ચુક્યું છે. “એક્સપિરિયન્સ” મ્યુઝિયમની વિશેષતા જ એ છે કે તમને અહીં માત્ર ઈતિહાસ જાણવા નથી મળતો પરંતુ તેને અનુભવવાની તક મળે છે.

પ્રાચીન કાળમાં વડનગર એ અનર્તપુર અને આનંદપુર જેવા નામોથી પ્રસિદ્ધ હતું. કહે છે કે સાત અલગ-અલગ “કાળખંડ”માં અહીં સાત અલગ-અલગ રાજવંશોએ શાસન કર્યું. મ્યુઝિયમમાં આ તમામ વિગતો જાણવા મળે છે. આ સાથે જ તે સાત કાળખંડની માટીઓને સ્પર્શવાનો અવસર મળે છે. લોકો વડનગરના ઈતિહાસને નજીકથી સમજી શકે તે માટે વડનગરની ઉત્ખનન સાઈટની બરાબર બાજુમાં આ મ્યુઝિયમ તૈયાર કરાયું છે. અને ખોદકામમાં મળેલા ઐતિહાસિક પુરાવાઓને મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે.

ખોદકામ દરમિયાન મળેલા લગભગ ૫ હજાર જેટલાં પ્રાચીન અવશેષો મ્યુઝિયમમાં ગોઠવવામાં આવ્યા છે. તેને તેના મૂળ રૂપમાં સાચવવાનો પ્રયાસ કરાયો છે. પ્રાચીન કાળમાં વડનગર પ્રમુખ વેપારી કેન્દ્રોમાંથી એક હતું. અને એટલે જ હિન્દુ, બૌધ, જૈન અને ઈસ્લામ ધર્મના સંગમનું એક જીવંત કેન્દ્રબિંદુ બન્યું હતું. સદીઓ પૂર્વે અહીં જીવન કેવું હતું.. લોકોની રહેણી-કરણી કેવી હતી. વિવિધ કાળખંડમાં કેવી ઈંટોથી મકાનો બનતા તેની માહિતી અહીં લોકોને ઉપલબ્ધ બનશે.

આ પહેલું એ પ્રકારનું સંગ્રહાલય છે કે જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય નિદેશાલયના સહકારથી તૈયાર કર્યું છે. ૨૧ મીટર ઊંચાઈના ૩૨૬ પીલ્લર પર ઊભેલા ૪ માળના આ ભવ્ય મ્યુઝિયમને તૈયાર કરવામાં આવ્યુ છે. હાઈ ટેક્નોલોજીની મદદ લેવાઈ છે. માહિતીઓને શક્ય તેટલી ડિજિટલ કરવાનો પ્રયાસ કરાયો છે. જેથી સંશોધકોને અને યુવા વિદ્યાર્થીઓને મોટાપાયે તેનો લાભ મળી શકે. મ્યુઝિયમ અલગ-અલગ કાળની કલા, શિલ્પો અને સ્થાપત્યની માહિતી ઉપલબ્ધ કરાવે છે. વડનગરમાં ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને બૌદ્ધ મઠોના પણ અવશેષો મળ્યા છે. છેલ્લાં ૨૫૦૦ વર્ષથી આ શહેરમાં સતત માનવજીવન ધબકતું રહ્યું છે અને વિકસીત થતું રહ્યું છે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની વિશેષતા જ એ છે કે તેને પુલના માધ્યમથી વડનગરની જીવંત ઉત્ખનન સાઈટ સાથે જોડવામાં આવ્યું છે. પુરાતત્વમાં રસ ધરાવનારા લોકો માટે મ્યુઝિયમની મુલાકાત “અમૂલ્ય અવસર” બની રહેશે.

આ મ્યુઝિયમમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ અને વિશેષ પ્રદર્શનો સાથે પુરાતત્વનો અનુભવ મળશે. ૧૨ હજાર ૫૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ૨૯૮ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ મ્યુઝિયમ ખરાં અર્થમાં એક મુલાકાતીઓ માટે ક્યારેય ન ભૂલાય તેવો અનુભવ બની રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *