Mumbai, તા. 28
શેરબજારમાં આજે વધુ એક બ્લેક ફ્રાઇડે સર્જાયો હોય તેમ સેન્સેકસમાં 1000 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. હેવી વેઇટથી માંડીને રોકડાના શેરોમાં બેફામ વેચવાલીના કારણે સેન્સેકસ 74 હજારની સપાટીને અંદર ધસી ગયો હતો અને ઇન્વેસ્ટરોને 6 લાખ કરોડથી વધુની રકમનું નુકસાન થયું હતું.
અમેરિકાના ટ્રેડ વોર વિદેશી નાણાં સંસ્થાઓની સતત વેચવાલી, જુદા જુદા દેશો વચ્ચે ભૌગોલિક ટેન્શન સહિતના અનેકવિધ કારણોથી સર્જાયેલા અનિશ્ચિતતાના માહોલના કારણે શેરબજાર કેટલાક વખતથી મંદીમાં રહ્યું છે.
મુખ્યત્વે અમેરિકાના ટેરીફ વોરનો ગભરાટ છે, કેનેડા, મેકસીકો તથા ચીન પર આવતા સપ્તાહથી ટેરીફનો અમલ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના પગલે નવેસરથી ગભરાટનો માહોલ સર્જાયો હતો. આજે શરૂઆતથી જ શેરબજારમાં વેચવાલીનો મારો હતો અને તમામે તમામ શેરો નીચે સરકતા રહ્યા હતા.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટનો ટ્રેન્ડ જ નબળો છે. અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે નવી લેવાલીનું જોખમ લેવા બ્રોકરો કે ઇન્વેસ્ટરો તૈયાર નથી. પરિણામે વેચવાલીનું ભારણ વધતું રહ્યું છે અને મોટા ભાગના શેરો નીચે ઉતરી રહ્યા છે.
શેરબજારમાં આજે મહિન્દ્ર, નેસલે, પાવર ગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઇટન, એશિયન પેઇન્ટસ, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, ઇન્ડુ ઇન બેંક, ઇન્ફોસીસ, કોટક બેન્ક, લાર્સન, મારૂતિ, ટેક મહિન્દ્રા, વિપ્રો સહિતના હેવીવેઇટ શેરોમાં ગાબડા પડયા હતા. મંદી બજારે પણ અદાણી પોર્ટ, એકસીસ બેંક, એચડીએફસી બેંક જેવા કેટલાક શેરો મજબુત હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 873 પોઇન્ટના કડાકાથી 73738 સાંપડયો હતો જે ઉંચામાં 74282 તથા નીચામાં 73579 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 256 પોઇન્ટના ગાબડાથી 22288 હતો જે ઉંચામાં 22450 તથા નીચામાં 22224 હતો. શેરબજારમાં કડાકાથી ઇન્વેસ્ટરોની 6 લાખ કરોડની શેરમૂડીનું ધોવાણ થયું હતું.