Paris,તા.11
પાણીના ત્રણ સ્વરૂપ હોય છે. સખત, તરલ અને વરાળ એટલે કે વાયુ પણ ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યાનો દાવો કર્યો છે. તેમણે એ પણ સંભાવના બતાવી છે કે, અન્ય ગ્રહોમાં પાણી આ (ચોથા) સ્વરૂપમાં મોજૂદ હોઈ શકે.
પાણીના આ ચોથા સ્વરૂપને હાલ પ્લાસ્ટિક આઈસ-7 નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ પાણીને એક ખાસ વાતાવરણમાં 327 ડિગ્રી સેલ્સીયસથી ગરમ કર્યા બાદ પાણીના ચોથા સ્વરૂપને હાંસલ કર્યું.
‘નેચર’ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ચોથુ સ્વરૂપ પ્લાસ્ટિક આઈસ-7 ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ પર મળી શકે છે. આ પહેલા વૈજ્ઞાનિકોએ અનેક સૈદ્ધાંતિક મોડેલોમાં પાણીના આ રૂપની હાજરીને લઈને સંભાવના વ્યક્ત કરી હતી. પહેલીવાર તેમને તેમના અસ્તિત્વના પ્રમાણ મળ્યા છે.
ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ પાણીના આ ચોથા રૂપનો ખુલાસો કર્યો છે. ફ્રાન્સના ઈન્સ્ટીટયુટ લો લેંગવિન (આઈએલએલ)ના સંશોધકોના એક દળે હાલમાંજ 6 ગીગા પાસ્કલના દબાણની સાથે ઉચ્ચ ક્ષમતા વાળા ઉપકરણોના ઉપયોગ કરીને પાણીને 327 ડિગ્રી સેલ્સીયસ સુધીના ઉચ્ચ તાપમાને ગરમ કર્યું હતું. ત્યારબાદ પાણીનું ચોથુ રૂપ- પ્લાસ્ટીક આઈસ-7 મળ્યું હતું.
પ્લાસ્ટિક આઈસ-7માં તરલ પાણી અને સખત બરફ બન્નેના ગુણ હોય છે, જેને લઈને તેનું નામ પ્લાસ્ટિક આઈસ-7 રાખવામાં આવ્યું છે. સંશોધકોના અનુસાર આપણા સૂર્યમંડળના બર્ફીલા ગ્રહો જેમકે નેપ્ચ્યુન, યુરેનસ કે ગુરુનો ચંદ્ર યુરોપમાં પાણીનું ચોથું સ્વરૂપ પ્લાસ્ટિક આઈસ-7 હોઈ શકે છે.