Mumbai,તા.૧૧
સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી હર્ષવર્ધિની રાણ્યા ઉર્ફે રાણ્યા રાવને સોમવારે ખાસ આર્થિક ગુના અદાલતે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. સોમવારે રાણ્યા રાવને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અભિનેત્રી પૂછપરછ માટે ૩ દિવસ માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની કસ્ટડીમાં હતી ડીઆરઆઇ અધિકારીઓએ તેણીને કોર્ટમાં રજૂ કરી જ્યાં તેણી રડી પડી.
રાણ્યાએ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અધિકારીઓ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રાણ્યા ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે.ડીજીપી રેન્કના અધિકારી રામચંદ્ર રાવ હાલમાં કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
ડીઆરઆઇએ આરોપોને ફગાવી દીધા હતા અને અભિનેત્રીની કોર્ટમાં હાજરી દરમિયાન ડીઆરઆઇના ૬ થી વધુ અધિકારીઓ હાજર હતા. રાણ્યા રાવની ૪ માર્ચ ૨૦૨૫ ના રોજ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અભિનેત્રી દુબઈથી ૧૪.૮ કિલો સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ સોનાની કિંમત આશરે ૧૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
કોર્ટે રાણ્યાને પૂછ્યું કે શું તેણીને તબીબી સારવાર મળી ? આ પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ ધ્રૂજતા અવાજમાં દાવો કર્યો કે તેણીને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. રાણ્યાએ કોર્ટને જણાવ્યું કે જો તેણી જવાબ ન આપે તો અધિકારીઓએ તેણીને ધમકી આપી હતી. અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે રાણ્યા તપાસમાં સહકાર આપી રહી નથી.
ન્યાયાધીશે આગળ પૂછ્યું, ફક્ત આ પ્રશ્નનો જવાબ આપો – શું તેઓએ તમને તબીબી સારવાર આપી હતી કે તેઓએ થર્ડ-ડિગ્રી પૂછપરછ કરી હતી ? ન્યાયાધીશે પૂછ્યું, તમને તમારા વકીલ સાથે વાત કરવા માટે ૩૦ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. તમે તેમને કેમ ન કહ્યું ? તેમણે આ અંગે અરજી કેમ ન કરી ? કોર્ટ કાર્યવાહી દરમિયાન, તપાસ અધિકારીએ ન્યાયાધીશને જાણ કરી કે રાણ્યાને ડીઆરઆઇ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની હેરાનગતિનો ભોગ બનવું પડ્યું નથી.