Gandhinagar, તા. 21
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના બોગસ લેટર પેડનો ઉપયોગ કરી બનાવટી લેટર કે જેમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિ આરાયાના ગંભીર આક્ષેપો કરાયા હતા તે લેટર વાયરલ કરવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.
આ ઘટનામાં ભોગ બનનાર પાયલ ગોટી દ્વારા હાઇકોર્ટમાં રિટ અરજી કરીને પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા માગ કરી છે. તેની સુનાવણી આગામી દિવસોમાં થશે. પાયલ ગોટી તરફથી અરજીમાં જણાવાયું છે કે, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના બોગસ લેટર પેડનો ઉપયોગ કરી બનાવટી લેટર કે જેમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિ કરાયાના ગંભીર આક્ષેપો કરાયા હતા.
તે લેટર વાયરલ કરવાના પ્રકરણમાં તા.28-12-2024ના રોજ અમરેલી સાયબર સેલ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારની પણ ખોટી રીતે ધરપકડ કરાઇ હતી અને સુપ્રીમકોર્ટના સંબધિત ચુકાદાઓ અને માર્ગદર્શિકાઓનો ભંગ કરી તેને માનસિક ત્રાસ અને અત્યાચારનો ભોગ બનાવાઇ હતી.
બાદમાં તા.3-1-2025ના રોજ અરજદાર જામીન પર મુકત થઇ હતી. તા.6-1-2025ના રોજ આ પ્રકરણમાં અમરેલી એસપી દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી. સીટ દ્વારા અરજદારની તબીબી તપાસ માટે આગ્રહ રાખવામાં આવ્યો હતો.
અરજદાર દ્વારા અમરેલી એસપી તથા અન્યો વિરૂધ્ધ તા.10-1-2025ના રોજ રાજયના પોલીસ વડાને પણ રજૂઆત કરી હતી, જે ગ્રાહય રાખી આ મામલામાં તપાસ નિર્લિપ્ત રાયને સોંપાઇ હતી.
આ અમરેલી લેટરકાંડમાં ભોગ બનનાર પાયલ ગોટી દ્વારા અમરેલીના એસપી, સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયા સહિતના લોકો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવા સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી છે.
પાયલ ગોટી તરફથી આ પ્રકરણમાં કસૂરવાર અમરેલી એસપી સહિતના પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પણ ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સીટ ટીમનાં રીપોર્ટ તૈયાર થયો હોય તેમાં શું ? તે બાબતો પર જનતાની મીટ મંડાઇ છે.