Ahmedabad,તા.18
ગુજરાતના ડીજીપીપદે સવા બે વર્ષનો સમયગાળો પૂર્ણ કરી વિકાસ સહાય જુન માસના અંત ભાગમાં નિવૃત્ત થવાનાં છે. તેમની નિવૃત્તિ પછી ગુજરાતના નવા પોલીસ વડા કોણ? તે સવાલ ચર્ચાનું કેન્દ્ર છે. સિનિયર મોસ્ટ ડો. સમશેરસિંઘ સેન્ટ્રલ ડેપ્યુટેશન ઉપર મુકાતાં હવે અનેક નામો ચર્ચામાં છે. 1991ની બેચના જ મનોજ અગ્રવાલની નિવૃત્તિ સપ્ટેમ્બર માસમાં છે એટલે તેમને બે-ત્રણ મહિના માટે મુખ્ય ડીજીપી બનાવાય તેવી સંભાવના નથી. આ સંજોગોમાં હાલમાં જેલોના વડા ડો. કે. એલ.એન. રાવ મોસ્ટ સિનિયર છે.
1992 બેચના ડો. રાવ ઓક્ટોબર-2027માં નિવૃત્ત થવાનાં છે. જો તેમની નિમણૂંક થાય તો લાંબા ગાળાની ઈનિંગ નિશ્ચિત મનાય છે. પરંતુ, લાંબા સમયથી સાઈડ ટ્રેક પોસ્ટિંગ, જેલ વિભાગના વડા તરીકે રહેલાં ડો. રાવ સરકારની નજીકના ગણાતાં નથી અને તેમની કાર્યપદ્ધતિથી નિમણૂંકના બદલે ડેપ્યુટેશનની સંભાવના વધારે હોવાની ચર્ચા છે. આ સંજોગોમાં હાલમાં જ અમદાવાદ પોલીસ કમિશનર પદે રહેલાં જી. એસ. મલિકને રાજ્યના ડીજીપી બનાવાય તેવી વિશેષ સંભાવના છે.
1993 બેચના અને મુળ હરિયાણાના મલિક સિનિયોરિટીમાં સૌથી આગળ નથી. પણ તેમના કરતાં સિનિયર એવા અધિકારીઓ ભાજપ હાઈકમાન્ડની ગુડબુકમાં નથી. મલિકે કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન કરેલી કામગીરી અને બીએસએફના કમાન્ડર તરીકેની સેવાના કારણે મલિક ભાજપ હાઈકમાન્ડ સમક્ષ સારી છાપ ઉભી કરવામાં સફળ રહ્યાં છે. ડાંગ જિલ્લાના એએસપી તરીકે શરૂત બાદ સુરેન્દ્રનગર ડીએસપી, અમદાવાદ ગ્રામ્ય ડીએસપી ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પછી પ્રતિનિયુક્તિ પર યુનોમાં ગયા હતા. એક વર્ષ સુધી ફરજ નિભાવન્યા પછી કચ્છમાં ડીઆઈજીનું પ્રમોશન મેળવનાર મલિક વડોદરાના એડિશનલ સીપી, અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ જેસીપી, વડોદરા રેન્જ, અમદાવાદ રેન્જ પછી હોમ સેક્રેટરી રહી ચૂક્યાં છે. આમ, પોલીસ અને ગૃહ વિભાગમાં બહોળો અનુભવ ધરાવતાં મૃદુભાષી છતાં કડક એવા જી.એસ. મલિક નવા ડીજીપી તરીકે પહેલી પસંદ બની શકે છે.
પોલીસ તંત્રમાં ચર્ચા છે કે, વિકાસ સહાયની માફક જી.એસ. મલિક પણ અન્યોને સુપરસીડ કરીને નવા ડીજીપી બની શકે છે તે પાછળ અનેક કારણો છે. એક સમય હતો કે ગુજરાતમાં આઇપીએસ લોબીમાં સાઉથ અને નોર્થ લોબીનું વર્ચસ્વ હતું. પરંતુ, આ બે લોબીના અધિકારીઓ ડેપ્યુટેશન ઉપર જવાથી હાલમાં રાજ્ય અનુસાર લોબીંગ વધી રહ્યું છે. ગુજરાતની આઈપીએસ કેડરમાં હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત લોબી અંદરખાને સક્રિય છે. હાલમાં હરિયાણા અને રાજસ્થાન લોબીનું વર્ચસ્વ હોય તે રીતે પોસ્ટિંગ થઈ રહ્યાં છે. ઉચ્ચ અધિકારીઓમાં ચાલતા કોલ્ડ વોરથી સરકારની સમસ્યા વધી શકે છે. જો કે, ગુજરાત સરકારના સૂત્રો ચર્ચે છે કે ગુજરાત પોલીસમાં બદલાવનો દોર ચાલી રહ્યો છે તેનો સરળતાથી અમલ કરી અને કરાવી શકે તેવા અધિકારી પહેલી પસંદ છે અને રહેશે. બદલાવના આ દોરમાં વર્તમાન ડીજીપી વિકાસ સહાયને એક્સ્ટેન્શન મળે તો પણ નવાઈ નહીં. જો કે, તેમને ડીજીપી તરીકે બે વર્ષનો સમયગાળો થઈ ગયો હોવાથી મહત્તમ ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળી શકે છે. પરંતુ, ત્રણ મહિનાનું એક કે છ મહિનાના એક્સટેન્શન આપીને ગુજરાત સરકાર નવા ડીજીપીપદે જી. એસ. મલિકની પસંદગીને સરળ બનાવવા સાથે આઈ.પી.એસ. લોબીમાં આંતરિક અસંતોષ અને કોલ્ડ વોરની સમસ્યા ટાળી શકે તેમ છે.
ગુજરાતના નવા પોલીસ વડા કોણ હશે? વર્તમાન ડીજીપી વિકાસ સહાય હજુ તો જુન માસના અંતભાગમાં નિવૃત્ત થવાના છે છતાં અત્યારથી પોલીસમાં આ હોટ ટોપિક છે. પોલીસમાં ચર્ચાનું કારણ ગુજરાત પોલીસમાં ચાલી રહેલી કોલ્ડ વોર છે. નવા ડીજીપી નિમાય તો તક ઝડપી લેવા તેમજ વિકાસ સહાયને એક્સ્ટેન્શન મળે તે માટે આઈપીએસ લોબીમાં લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. હાલમાં હરિયાણા અને રાજસ્થાન લોબી જોરમાં છે અને ઉપરી અધિકારીઓની કોલ્ડ-વોરથી સરકારની સમસ્યા વધી શકે છે તેવું માનનારો એક વર્ગ છે. સરકાર બિનવિવાદી અને બદલાતાં ક્રાઈમ તેમજ સરકારને સમજનારાં અધિકારીની નિમણૂંક કરાય તેવા મતમાં હોવાની ચર્ચા છે. વિવાદો ટાળવા ડીજીપીને ત્રણ માસનું એકસ્ટેન્શન અપાય કે અમદાવાદ સી.પી. મલિકને ડીજીપી બનાવાય તેવું બની શકે છે.
અમદાવાદમાં બે દિવસ સુધી યોજાયેલી ઈન્ટરનેશનલ ઈવેન્ટ કોલ્ડ પ્લેમાં ડ્યૂટીને અવગણીને એક આઈપીએસ ઝૂમ્યાનો મુદ્દો પોલીસમાં ચર્ચાસ્પદ બન્યો છે. એક યુવા આઈપીએસને સ્ટેડીયમમાં ડ્યૂટી સોંપવામાં આવી તો બિમારીના મુદ્દે રજા ઉપર ઉતર્યાં હતાં. સ્વાભાવિક જ તેમનો ચાર્જ બીજા આઈપીએસને અપાયો હતો. પણ, સ્થળ ઉપર હાજર પોલીસ અધિકારીઓ રજા ઉપર હતાં તેવા આઈ.પી.એસ.ને શોર્ટ ડ્રેસમાં કોલ્ડ-પ્લે ઈવેન્ટમાં જોઈને ચોંકી ઉઠ્યા હતા. ડ્યૂટીને બદલે દર્શક બનીને કોલ્ડ-પ્લે માણનારાં યુવા આઈપીએસ પોલીસ તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.
ગુજરાત પોલીસના માળખા સાથે માનસિકતા બદલાઈ રહી છે. નવી કેડરના આઈપીએસ હવે સિનિયરોને ગાંઠતા નહીં હોવાની વેદના અમુક સિનિયરો વ્યક્ત કરે છે. એવી ચર્ચા છે કે, એક સમય હતો કે બદલી પછી હાજર થતાં આઈપીએસ તેમના સિનિયરને કોલ-ઓન કરવા જાય તેવી પ્રથા હતી. હવે રેન્જમાં ટોચના, કમિશનર કે ડીજીપી કેડરના અધિકારીને કોલ-ઓન કરવા સિવાય જુનિયર આઈપીએસ ભાવ પણ આપતાં નથી. અમુક વખતે તો સિનિયર ઓફિસર મળે એટલે તેમને કાયદાકીય માનરૂપે સેલ્યૂટ કરવાની પરંપરામાં પણ હવે બદલાવ ગુજરાત પોલીસમાં બદલાવના ચિહ્નરૂપ છે.