Income Tax:રાજકોટ સહીત રાજયભરમાંથી 150 અધિકારીઓનો કાફલો ત્રાટકયો

Share:

Rajkot,તા.23
ગુજરાત સહિત દેશભરમાં દિવાળીના ઉત્સાહ-ઉમંગ શરૂ થઈ ગયો છે તેવા સમયે જ ઈન્કમટેકસ દ્વારા રાજયમાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા વેપાર ઉદ્યોગમાં ખળભળાટ સર્જાયો છે. વડોદરામાં બે બિલ્ડર ગ્રુપ તથા અમદાવાદમાં ત્રણ લેમીનેટસ ઉત્પાદકો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જુનાગઢમાં પણ તેના કનેકશનમાં તપાસ હોવાની ચર્ચા છે. રાજકોટ સહીત રાજયભરનાં આવકવેરા અધિકારીઓને દરોડામાં સામેલ કરવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગના સુત્રોએ કહ્યું કે આજે સવારથી વડોદરામાં જાણીતા બીલ્ડરો નિલેશ શેઠ તથા શોનક શાહ જુથ પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિલ્ડર-ભાગીદારોની ઓફીસ, રહેઠાણ, તથા પ્રોજેકટ સાઈટસ સહીત એક ડઝનથી વધુ સ્થળોએ ઓપરેશન હાથ ધરાયું હતું. જુનાગઢમા તેના કનેકશનની માહીતીનાં આધારે ત્યાં પણ બે સ્થળોએ તપાસ શરૂ થયાના સંકેત છે.

વડોદરા ઉપરાંત અમદાવાદમાં પણ સવારથી આવકવેરા વિભાગનો કાફલો ત્રાટકયો હતો ક્રાઉન ડેકોર, ઓલમ્પસ ડેકોર તથા રોયલ ટચ એમ ત્રર લેમીનેટસ ઉત્પાદકોનાં ડઝન જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુત્રોએ કહ્યુ કે બન્ને સ્થળોએ દરોડા ઓપરેશનમાં જંગી માત્રામાં બીનહિસાબી વ્યવહારો ખુલવાની આશંકા છે. મોટી રકમની કરચોરી પકડાવાની પણ શકયતા છે. બેંકખાતા-લોકરોની પણ ચકાસણી કરવામાં આવી છે.મોટી સંખ્યામાં હિસાબી સાહીત્ય દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં લાંબા વખત બાદ આવકવેરા વિભાગ દ્વારા દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એકસાથે બે ત્રણ શહેરોમાં સંયુકત કાર્યવાહીને પગલે રાજકોટ સહીત રાજયભરમાંથી અધિકારીઓના કાફલાને તેડાવવામાં આવ્યો છે. અંદાજીત 150 અધિકારીઓ કાર્યવાહીમાં સામેલ છે. દિવાળીના તહેવારો પૂર્વે જ ઈન્કમટેકસ ત્રાટકતા વેપાર ઉદ્યોગકારોમાં ફફડાટ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *