Ahmedabad,તા.01
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરવાનું હોવાથી તેની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેડિયમાં ડોમ તૂટી પડતાં 3 મજૂરોને ઇજા પહોંચી છે. જેના લીધે કાર્યક્રમની તૈયારીઓમાં અડચણો ઉભી થઇ હતી.
આ ઉદઘાટનની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન વજન વધી જતાં એક તરફ સ્ટ્રક્ચર ઢળી પડતાં ડોમ ધરાશાયી થઇ ગયો હતો. આ ઘટનામાં 3 મજૂરો ડોમ નીચે દબાઇ જતાં પોલીસ તાત્કાલિક રેસ્ક્યું કરી બહાર કાઢ્યા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી, પરંતુ મજૂરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે તેમને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જોઇન્ટ પોલીસ કમિશ્નર બન્નોબેન જોશીએ અપડેટ આપતાં જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અત્યારે ત્રણેય લોકો સ્વસ્થ છે. આ ઘટના સવારે બની હતી, અને હાલમાં ગ્રાઉન્ડ સફાઇનું કામ ચાલી રહ્યું છે.
3જી ઓક્ટોબરે નવા પોલીસ હેડક્વાર્ટરના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે. અકસ્માતના કારણે કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવ મળ્યું નથી. ડોમ કેવી રીતે તૂટી પડ્યો તે અંગેની તપાસ ચાલી રહી છે. હાલમાં પુરજોશમાં કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે.