છેલ્લા કેટલાક સમયથી કેટલીક યુ ટયુબ ચેનલો, ઓનલાઇન પ્લેટફોર્મ પર પીરસાતી સામગ્રી કદાચ કોઇ પરિવારના સભ્યો સાથે બેસીને ન જોઇ શકે તેવી વલ્ગારીટી, સાંભળી ન શકાય તેવા અપશબ્દોની ભરમાર હોય છે. આ પ્રકારે ઓનલાઇન ગંદકીના વધતા પ્રદૂષણ સામે જાગૃતજનોમાં ચિંતા વ્યાપી હતી કે, આ દૂષણને અટકાવવા કોઇ નકકર પગલાં જરુરી છે.
દરમ્યાન કોમેડીયન સમય રૈનાની યુ ટયુબ ચેનલ પર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ કાર્યક્રમ દરમ્યાન યુ ટયુબર રણવીર અલ્હાબાદિયા દ્વારા કરાયેલ અભદ્ર ટીપ્પણીના કેસની સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી થઇ. કોર્ટે રણવીરને તેનો પોડકાસ્ટ લોન્ચ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ કેનેડાની મુલાકાત દરમ્યાન રૈનાએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીની ટીકા કરી હતી. જેના કારણે રૈના પર આકરાં પ્રહારો કરાયા હતા. દરમ્યાન સુપ્રીમ કોર્ટે ફરીથી સરકારને યુ ટયુબ ચેનલો અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મની સામગ્રીને નિયંત્રિત કરવા જણાવ્યું છે.
અભિવ્યકિતની સ્વતંત્રતાના નામે અશ્લીલ ઓનલાઇન સામગ્રીને અવગણવામાં આવે તેવું ઇચ્છનારાઓનો પક્ષ લેવો પણ મુશ્કેલ છે. કારણ કે ઘણા કહેવાતા હાસ્ય કલાકારો અને પ્રભાવકો ઓનલાઇન પ્લેટફોર્મ પર ગંદકી ફેલાવતા રહે છે. આમ કરીને તેઓ નાણાં કમાવવાની સાથોસાથ એક ચોકકસ વર્ગમાં પ્રસિદ્ઘિ મેળવી રહ્યા છે. આવા કલાકારોને પોતાના કાર્યક્રમના દર્શકો વધારવા માટે કેટલીક ચેનલો આમંત્રિત પણ કરતી હોય છે.
ઓનલાઇન પ્લેટફોર્મ પર પીરસાતી સામગ્રીમાં શું વાંધાજનક છે અને શું નથી તે નકકી કરવું સરળ નથી. કારણ કે જે એક વ્યકિત માટે અભદ્ર છે તે બીજા માટે રમૂજી હોઇ શકે છે. એક વ્યકિત માટે જે અપમાનજનક કે વાંધાજનક હોય છે તે અન્ય વ્યકિત માટે સાચું પણ હોઇ શકે છે. સમય રૈના, રણવીર અલ્હાબાદિયા અને તેમના સહયોગીઓ સામે થયેલ કાર્યવાહીનો ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે.
આ લોકોનો તર્ક એ છે કે કોઇને અશ્લિલતા માટે જેલમાં કેવી રીતે મોકલી શકાય? કેટલાક લોકો કરી રહ્યા છે કે પોલીસ અને કોર્ટ આ કેસમાં પોતાનો સમય બગાડી રહ્યા છે. શું આ લોકોની વાત મુજબ ખરેખર એવું ન થવું જોઇએ, પરંતુ આનો કોઇ સીધી અને સ્પષ્ટ જવાબ નથી. પરંતુ એ વાત ચોકકસ છે કે ઘણા હાસ્ય કલાકારો અને પ્રભાવકો ઓનલાઇન અશ્લિલતા ફેલાવી રહ્યા છે. જેના કારણે તેમના દર્શકો પૈકીનો મોટાભાગનો યુવા વર્ગ તે દિશામાં વિચારવા અને અનુસરવા પ્રેરાય છે તે દેશની ભાવિ પેઢી તરીકે ચિંતાજનક બાબત છે.
કદાચ એ કહેવું ખોટું નથી કે ઓનલાઇન પ્લેટફોર્મ બેલગામ છે અને તેમને કોઇ નિયમો, કાયદાઓની પરવાનગી એટલા માટે નથી કે તેઓ નકલી સમાચારનો સૌથી મોટો સ્ત્રોત બની ગયા છે. આથી હવે સરકાર અને સુપ્રીમ કોર્ટ ઓનલાઇન ફેલાતી અશ્લિલતા મામલે શું કરી રહ્યા છે, શું કાર્યવાહી હાથ ધરશે તેની જોવાતી રાહ વચ્ચે સમાજ પોતે પણ શું નિર્ણય કરે છે તે પણ જોવું પડશે. કારણ કે ઓનલાઇન ફેલાતી જતી ગંદકીના પ્રશંસકો પણ વધુને વધુ લોકો આ સામગ્રી જોવા આકર્ષિત થાય તેવો પ્રયાસ કરતા હોય છે.