Amreli,તા.09
ગુજરાતમાં ભાજપના સંગઠન નવરચનામાં રાજકોટ સહિતના અનેક મહાનગરો તથા જીલ્લા જ નહી છેક તાલુકા કક્ષાએ પણ જૂથવાદે ફુંફાડો માર્યો તે છાપે ચડયો છે અને તેમાં સંગઠન નવરચનાની જાહેરાત બાદ આ ભડકા વધે તેવો ભય છે અને તેથી મહાનગર જીલ્લા પ્રમુખોની રચનાનો તખ્તો છેક દિલ્હી પહોંચ્યો અને રાજયમાં જૂથવાદની ગંભીર નોંધ લેવાવા છતાં પણ આ પક્ષનું જ સર્જન છે. તેથી ભાગ્યે જ કઈ થઈ શકે તેમ છે તેવો અફસોસ પણ થયો.
આ વચ્ચે અમરેલીમાં જે લેટર કાંડ સર્જાયો અને જે રીતે પાટીદાર સમાજની દિકરીને પોલીસે મધરાતે ઉઠાડીને ધરપકડ કરી અને તે બાદ પણ સ્થાનિક ધારાસભ્ય કૌશીક વેકરીયાએ છેલ્લે સુધી ‘લડી’ લેવું હોય તેમ ખાસ તપાસ ટીમની રચના બાદ પણ વધુ એક વખત તે પાટીદાર સમાજની દિકરીને ફરી ‘સીટ’ના અધિકારીઓ રાત્રીના મેડીકલ તપાસના બહાને ફરી ઉપાડી ગયા હતા.
કોંગ્રેસના નેતા અને પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને વચ્ચે પડવું પડયું તે અંગે હવે છેક ગાંધીનગર સુધી પડઘો પડયો છે અને ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ રીતે પોલીસ કર્મચારી સામે આકરી નારાજગી વ્યક્ત કરી છે. જો કે ગૃહ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ બચાવની મુદ્રામાં સ્પષ્ટતા કરવાનો પ્રયાસ થયો પણ પાટીદાર સમાજમાં જે રોષ પ્રવર્તી રહ્યો છે તે પણ નોંધ મુખ્યમંત્રીએ લીધી હોવાની ચર્ચા છે.
ખાસ કરીને આ પ્રકારની ઘટનાથી સરકાર અને ભાજપ બન્નેની પ્રતિષ્ઠા ખરડાય છે. એક વખત પોલીસે પાટીદાર સમાજની દિકરીને મધરાતે ઘરેથી ઉઠાવી અને તે જબરો મુદો બની ગયો છતા પણ બીજી વખત ‘સીટ’ દ્વારા ફરી રાત્રીના સમયે મેડીકલ તપાસ માટે પાટીદાર સમાજની દિકરીને (પોલીસ કહે છે તેની સંમતી હતી) ઘર બહાર લઈ ગયા તે ગળી શકાયું હોત પણ પોલીસ કોકના રાજકીય દબાણ હેઠળ કામ કરી રહી છે તે નિશ્ચિત થયુ છે અને મુખ્યમંત્રી જે ખુદ ગૃહવિભાગ સંભાળે છે તેથી પોલીસની આ કામગીરીની સરકારની છબી પર ખરાબ અસર થાય છે તેની ચર્ચા છે.
મુખ્યમંત્રી શ્રી પટેલે પોતાની નારાજગી દર્શાવીને હવે આ પ્રકારની ઘટના કોઈપણ સમાજ સાથે ન બને તે જોવા તાકીદ કરી છે. શ્રી પટેલે રાજયભરમાં જે રીતે પોલીસ વિભાગ પ્રજા માટે જ કામ કરે તે અભિગમ અપનાવ્યો છે તેમાં આ પ્રકારની ઘટનાથી તેઓ વ્યક્તિ બને તે સ્વાભાવિક છે તથા હવે ડેમેજ કંટ્રોલ પણ કેમ કરવું તે પણ પ્રશ્ન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલીની ઘટનાનું હાલ દિલ્હીમાં પણ રિપોર્ટીંગ થયું છે. મુખ્યમંત્રીની નારાજગી ઓછી થઈ નથી અને હવે આવુ ન બને તે માટે તેઓજ કંટ્રોલ કરશે તેવા સંકેત છે.