પૂર્વ PM Manmohan Singh ના સ્મારકને લઈને પ્રક્રિયા શરૂ,સરકારે પરિવારને વિકલ્પો આપ્યા

Share:

New Delhi,તા.૧

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૨૬ ડિસેમ્બરે અવસાન થયું હતું. શનિવારે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે તેમના સ્મારકને લઈને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સ્મારક માટે કેટલીક જગ્યાઓ સૂચવી છે. મનમોહન સિંહના પરિવારને કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે પરિવારને આપેલા વિકલ્પોમાંથી એક જગ્યા પસંદ કરવાનું કહ્યું છે. જેથી સ્મારકનું કામ શરૂ થઈ શકે. જો કે આ માટે પહેલા ટ્રસ્ટ બનાવવું જરૂરી છે. નવી પોલિસી અનુસાર જમીન માત્ર ટ્રસ્ટને જ ફાળવી શકાશે. ટ્રસ્ટની રચના થયા બાદ જ સ્મારકનું નિર્માણ કાર્ય શરૂ કરી શકાશે.

ટ્રસ્ટ સ્મારકની જમીન માટે અરજી કરશે. જમીનની ફાળવણી પછી,સીપીડબ્લ્યુડી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનમોહન સિંહના સ્મારક માટે રાજઘાટ, રાષ્ટ્રીય સ્મારક અથવા કિસાન ઘાટ પાસે એકથી દોઢ એકર જમીન આપી શકાય છે.

શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ સ્મારક માટે રાજઘાટ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી છે. એવી પણ શક્યતા છે કે નેહરુ-ગાંધી પરિવારના નેતાઓની સમાધિ પાસે ડૉ.મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા આપવામાં આવે. અહીં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીની સમાધિઓ છે.

તમને જણાવી દઈએ કે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકને લઈને કોંગ્રેસ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. તાજેતરમાં કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે જગ્યા ન મળવી એ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાનનું ઈરાદાપૂર્વકનું અપમાન છે. આ અંગે ભાજપ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે કોઈનું અપમાન કરવામાં આવ્યું નથી. આગામી દિવસોમાં ચોક્કસપણે સ્મારક બનાવવામાં આવશે. જે લોકો વિવાદ ઉભો કરી રહ્યા છે તેમને છૂટ ન આપવી જોઈએ. શીખ સમુદાયે આવીને તેમના (પૂર્વ પીએમ મનમોહન સિંહ) માટે પ્રાર્થના કરી. અમે હંમેશા તેમના કામની પ્રશંસા કરી છે અને તેમની પાસેથી પ્રેરણા લીધી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *