Wadhwan, તા. 31
સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમકદના ઉધોગોને પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ત્રીદિવસીય ગ્લોબલ ઝાલાવાડ એક્સ્પોનું આયોજન સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. જે એક્સ્પોને આજે મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ એક્સ્પોની ત્રણ દિવસમાં ત્રણ લાખ લોકોથી વધુ મુલાકાત લે તેવી શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને નાના અને મધ્યમકદના ઉધોગોને વેપાર ધંધામાં પ્રોત્સાહન મળે તેમજ આવા ઉધોગકારો દ્વારા ઉત્પાદન કરવામાં આવતી ચીજવસ્તુઓને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારીખ 27થી 29 ડિસેમ્બર એમ ત્રણ દિવસ ગ્લોબલ ઝાલાવાડ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તેમજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક સહીતનાઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ સમિટ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજ્ય અને દેશ લેવલની કંપનીઓ ભાગ લઇ રહી છે અને કુલ 200થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ મહિલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓને પ્રોત્સાહન મળે તે માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ગત તા. ર9 ડિસેમ્બરના રોજ ગ્લોબલ ઝાલાવાડ-2024 મેગા એક્સપોની અનેક સફળતાની સિદ્ધિઓ સાથે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો.
આ ગ્લોબલ એકસ્પોમાં અંદાજીત 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. ત્રિદિવસીય મેગા એકસ્પોમાં આશરે પ00-600 કરોડોના બિઝનેસ ટર્નઓવરનું નેટવર્ક કનેકટ થયું હતું. રાષ્ટ્રીય બેંકો SBI, SIDBI વગેરે દ્વારા ઝાલાવાડના ઉદ્યોગોને નવી યોજનાઓ અંતર્ગત પ્રોજેક્ટ ફાયનાન્સ, વર્કિંગ ફંડ, નોન ફંડ વગેરે સગવડો ઉભી કરાઇ હતી.
એરોનેટિક, રોબોટિક, સોલાર એનર્જી, ફાર્મા, બેન્કિંગ, ટેક્સટાઇલ પાર્ટ્સ, જીનિંગ, સ્ટોરેજ સિસ્ટમ, મિલ્ક એન્ડ ફૂડ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ઇન્ડસ્ટ્રીઝ સેંગમેન્ટના પ્રદર્શન સ્ટોલ રહ્યા હતા. પ્રાકૃતિક ખેતીના અનેક ઉત્પાદનોનું પ્રદર્શન અને લાખોમાં વેચાણ થયું, ઝાલાવાડ એક પ્રાકૃતિક ખેતીનું હબ બની રહેશે એવું નેટવર્ક બન્યુ હતું.
ફાયનાન્સ, ટેક્નોલોજી, AI, બ્રાન્ડિંગ અને અલગ અલગ વિષયો ઉપર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયા હતા. આ સાથે 1650 સ્કૂલોમાંથી 65000 વિદ્યાર્થીઓ એ આપેલ કવીઝ સ્પર્ધાના ફાઇનલ વિજેતાઓને નકદ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
આ ઉપરાંત મહિલા ઉદ્યોગને વેગ આપવા મહિલા ઉદ્યોગ માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું તેમજ ભવ્ય ગઝલ નાઈટ, ગાલા નાઈટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ગ્લોબલ ઝાલાવાડ-2024 સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ જોડાયેલા દરેકે દરેક સહયોગી ઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ સંપત્તિનો અપૂર ભંડાર છે, તેમજ પુષ્કળ પશુધન છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નાના ઉધોગકારોને જો પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ મળે તો વૈશ્વિક લેવલે ઝાલાવાડની વસ્તુઓ એક બ્રાન્ડ બની શકે છે. અને આ ઉમદા ઉદ્દેશ સાથે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી સુરેન્દ્રનગર જિલ્લાના ઉધોગ ક્ષેત્રે તેમજ પ્રાકૃતિક ખેતીમાં આગામી સમયમાં ચોક્કસ નવી ઉંચાઇ જોવા મળશે અને ફાયદો થશે તેવી આશા છે.
આ ઉપરાંત યુવા ઉધોગકારોને પ્રોત્સાહન આપવા યુથઆઇકોન મિટ સહીતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસની આ સમિટમાં ત્રણ લાખથી વધુ લોકો મુલાકાત લીધેલ હતી અને રવિવારે ગ્લોબલ ઝાલાવાડની પૂર્ણાહુતિ સમયે પણ માનવ મેરામણ ઉમટી પડ્યું હતું