Rajkot યાર્ડમાં 1250 વાહનોમાં 2,38,500 મણ જણસીના ઢગલા

Share:

Rajkot,તા.11

ગુજરાતમાં આ વર્ષે ઘંઉ,મગફળી સહિત અનેક કૃષિપાકોનું ગત સારા ચોમાસાના પગલે મબલખ ઉત્પાદન થયું છે ત્યારે હવે આ કૃષિપેદાશોના ખરીદ-વેચાણની મૌસમ પૂરબહારમાં ખિલી છે. રાજકોટના બેડી યાર્ડમાં 1250 વાહનોની લાંબી કતારો લાગી હતી અને યાર્ડમાં આ સીઝનના સૌથી વધુ એક જ દિવસમાં ૨,૩૮,૫૦૦ મણના ઢગલા થયા હતા.  આજે એક જ દિવસમાં યાર્ડમાં 80,000 મણ ચણાની આવક થઈ હતી જેના ભાવ ગત વર્ષો કરતા સારા મળી રહ્યા છે, પ્રતિ મણ પીળા ચણાના રૂ।. 1000 થી 1054 અને સફેદ ચણાના રૂ।.1310-2005 ના ભાવે સોદા પડયા હતા. જ્યારે આ વર્ષે રાજ્યમાં ઘંઉનો 44 લાખ ટનથી વધુ પાક થયો છે જે ગત વર્ષ કરતા આશરે 10 ટકા વધારે છે. ઘંઉની ધૂમ આવક  જારી છે અને આજે  70,000 મણ ઘંઉ ઠલવાયા હતા. ટુકડા ઘંઉના ભાવ રૂ।. 500થી 560 પ્રતિ મણ રહ્યા હતા જે અગાઉ 650 સુધી પહોંચ્યા હતા.

સરકારે ટેકાના ભાવે મગફળીની આ વર્ષે સૌથી વધારે ખરીદી કર્યાનું જાહેર કર્યું છે આમ છતાં ખેડૂતો માટે મગફળી વેચવા માર્કેટ યાર્ડો જ મહત્વના રહ્યા છે. આજે મગફળીની 54,000 મણ આવક સાથે રૂ।. 900-થી 1240 વચ્ચે ભાવ જળવાયા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષથી ખેડૂતોને મગફળીના ઓછા ભાવ મળે છે.  આ ઉપરાંત 9000 મણ તુવેર, 9000 મણ કપાસ, 11000 મણ મેથી, 5500 મણ રાય-રાયડો સહિત જણસીથી યાર્ડ એટલું છલોછલ ભરાયું હતું કે શેડ નીચે તો ક્યાંય જગ્યા ન્હોતી અને ખુલ્લા મેદાનમાં આ કૃષિપેદાશોના ઢગલા ચોતરફ જોવા મળતા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *