Mumbai, તા.20
પરિવારના પ્રસંગોને યાદગાર અને વૈભવી બનાવવા માટે લગ્ન સમારોહમાં થતો અઢળક-કરોડો રૂપિયાનો ખર્ચ હવે ઇન્કમટેક્સની નજરે ચડ્યો હોય તેમ જયપુરમાં ટોચના 20 વેડિંગ પ્લાનર (ઇવેન્ટ મેનેજર) પર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં ઝાકમઝાળભર્યા લગ્નો પાછળ 7500 કરોડનો બિનહિસાબી ખર્ચ થયાની ઇન્કમટેક્સને શંકા છે.
દેશમાં વૈભવી લગ્નોનો ટ્રેન્ડ સતત વધવા સાથે લખલૂંટ ખર્ચ કરવામાં આવે જ છે. ડેસ્ટીનેશન વેડિંગની સાથોસાથ બોલીવૂડ કલાકારો તથા સેલીબ્રીટીઓને કરોડોની ફી ચુકવીને પરફોર્મન્સ માટે તેડાવવામાં આવતા હોય છે. કરોડો રૂપિયાના ખર્ચમાં કાળા નાણાંનો ભરપૂર ઉપયોગ થાય છે. વેડિંગ પ્લાનરો ઓછી રકમના તથા બોગસ બીલો બનાવતા હોવાનું ઇન્કમ ટેક્સના ધ્યાને આવ્યું હતું.
તેના આધારે જયપુરમાં ટોચના 20 વેડિંગ પ્લાનરો પર મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં લગ્ન પાછળના જંગી ખર્ચમાં 50 થી 60 ટકા ખર્ચ કાળા-બિનહિસાબી નાણા અને રોકડમાં જ થતો હોવાનું બહાર આવ્યું છે.
સૂત્રોના કહેવા પ્રમાણે વિદેશોમાં કરાતા ડેસ્ટીનેશન વેડિંગ સુધી તપાસ લંબાવવાની શક્યતા છે. આ માટે મહેમાનો-સેલીબ્રીટીઓ માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
કરવેરા વિભાગના સૂત્રોએ કહ્યું કે, લગ્ન સમારોહમાં ઉપસ્થિત મહેમાનોની સંખ્યા, સમગ્ર સમારોહમાં થયેલા જુદા-જુદા ઇવેન્ટ સહિતની બાબતો ચકાસીને કુલ ખર્ચ સાથે સરખામણી કરવામાં આવશે. કેટરર્સની પણ પૂછપરછ કરવામાં આવશે.
તમામ ખર્ચનો હિસાબ માંગવાના અધિકારનો ઉપયોગ કરવામાં આવશે. લગ્નોમાં થતા અઢળક ખર્ચનો યોગ્ય હિસાબ જ રાખવામાં આવતો નથી. રોકડ વ્યવહારો મોટા થાય છે. વિદેશમાં ડેસ્ટીનેશન વેડિંગના કિસ્સામાં શંકાસ્પદ વ્યવહારો ખુલવાના સંજોગોમાં ઇડી પણ તપાસમાં ઝંપલાવશે.
આવકવેરાની પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે, અન્ય શહેરોના ઇવેન્ટ મેનેજરો સાથે સંકલન કરીને વેડિંગ પ્લાનર ખર્ચથી માંડીને તમામ ગોઠવણ કરી આપે છે. કરવેરા નિષ્ણાંતોએ કહ્યું કે, કરચોરી પકડવા માટે આવકવેરા વિભાગ વિવિધ સ્ત્રોતમાંથી માહિતી મેળવતું હોય છે. આ હવે નવો સ્ત્રોત બન્યો છે. આ પ્રકારની તપાસમાં મોટી સંખ્યામાં કરદાતાઓ ઝપટમાં આવી શકે છે.
સરકારી એજન્સીની તપાસને પગલે ટોચના ઉદ્યોગપતિએ પ્લાન બદલાવવો પડ્યો હતો
એવું બહાર આવ્યું છે કે રાજસ્થાનમાં જ મારબલના એક મોટા ઉદ્યોગપતિએ સંતાનના લગ્ન વિદેશમાં કરવાનું આયોજન કર્યું હતું. ખાસ વિમાન ભાડે રાખવાની ગોઠવણ ચાલુ હતી તે દરમ્યાન તપાસ એજન્સીએ ઇન્કવાયરી શરૂ કર્યાની ગંધ આવી ગઇ હતી. પરિણામે વિમાનનું બુકિંગ કરીને ડેસ્ટીનેશન વેડિંગનો પ્લાન સ્થગીત કરી દીધો હતો.
મોડસ ઓપરેન્ડી: વચેટીયા મારફત પેમેન્ટ
આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું કે કાળા નાણાંનો ઉપયોગ કરીને વૈભવી લગ્ન કરવાની મોડલ ઓપરેન્ડી પર પણ પ્રકાશ પડ્યો છે. પ્રસંગ ધરાવતો પરિવાર ‘વૈડિંગ પ્લાનર’ને રોકે છે. તમામ સ્થળોએ તે પોતે જ વ્યકિતગત રીતે પેમેન્ટ કરી ન શકે એટલે જુદા-જુદા ઇવેન્ટ નિષ્ણાંતો સાથે સંકલન કરે છે.
હોટલ, ટેન્ટ હાઉસ, કેટરર્સ, સેબીબ્રીટીઝ માટે અલગ-અલગ સંક્લન કરે છે. દરેક ઇવેન્ટના મેનેજરોને રોકડ ચુકવણા કરવામાં આવે છે તેમાં અર્ધા કરતા વધુ રોકડમાં થાય છે. અનેક કિસ્સામાં બીલ ખર્ચ કરતા સાવ મામુલી રકમના બનાવાય છે.
આ ક્ષેત્રમાં જીએસટી સામે ઇનપુટ ટેક્સનો લાભ મળતો નથી. જીએસટી નંબરવાળા નાની રકમના બીલો સરળતાથી છટકી જાય છે. નાના શહેરોમાં આ પ્રકારનું ચલણ સતત વધી રહ્યું છે.