Ahmedabad, તા.17
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની એક અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી હતી. તે જો ધારાસભ્યો વિકાસના કામો માટે યશ લેતા હોય તો તેઓએ તૂટેલા રસ્તા તથા અન્ય બાબતો એ પણ પોતાની ઉપર દોષ લેવો જોઈએ.
સરકારી ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો પ્રજાના પ્રતિનિધિઓ પોતાના ગજવામાંથી પૈસા કાઢીને કરતા નથી પરંતુ પ્રજાના પૈસે જ કરે છે. આથી યશની સાથે અપયશ પણ માથે લેવો જોઈએ તેવો પણ મૌખિક અભિપ્રાય હાઈકોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કેસની વિગતો મુજબ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લાના આયોજન અધિકારી સહિતના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
ચુડાસમા દ્વારા એવો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા તેમની ઉપર ભેદભાવ રાખવામાં આવે છે અને તેમનો હાથો જિલ્લાના અધિકારીઓ બનીને તેઓ વિરુદ્ધ કામગીરી કરી છે.
સરકારી નિયમોની વિરુદ્ધ જઈને આ અધિકારીઓએ વિકાસના કામોમાં પોતાના નામ સાથે જે ફોટા આવે તેના બોર્ડ અને તકતી માંથી ફોટા હટાવી લેવાનું અને તેને નુકસાન કરવાનું કૃત્ય કરેલ છે.
પોતાની સાથે જ આવું કૃત્ય કરવામાં આવે છે જ્યારે બીજા ધારાસભ્યો સાથે આવું કોઈ કૃત્ય કરવામાં આવું નથી. આથી સરકારી આદેશોને ઘોળીને પી જવા બદલ અને સરકારી આદેશોનો અનાદર કરવા બદલ તેમજ જાહેર મિલકતને નુકશાન પહોચાડવાનો ગુનો તેઓની સામે નોંધવો જોઈએ.
આ બાબતે વેરાવળમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેઓની ફરિયાદ લેવામાં આવી નહોતી આથી આ ફરિયાદ લેવાનો હુકમ કરવો જોઈએ. ચુડાસમાના વકીલ દ્વારા વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે, દરેક ધારાસભ્યને સરકારી ગ્રાન્ટમાંથી જે પણ કામ કરવામાં આવે છે તેના ઉપર તેમનો ફોટો અને નામ લખવા બાબતના વર્ષ 2002 અને વર્ષ 2005 ના સ્પષ્ટ પરિપત્રો હોવા છતાં અધિકારીઓએ તેમની સાથે ભેદભાવ રાખીને વિમલ ચુડાસમા ના ફોટા હટાવી દેવાનું કૃત્ય કરેલ છે.
જ્યારે બીજા કોઈ ધારાસભ્ય સાથે આવું કૃત્ય કરવામાં આવતું નથી. ગુજરાતમાં 182 વિધાનસભાઓ છે ત્યાં તો આવું કોઈ જ કરવામાં આવતું નથી આ માત્ર રાજકીય બદઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે.
જોકે આ કેસને સુનાવણી દરમિયાન જસ્ટિસ સંદીપ ભટ્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે આવા બોર્ડ ઉપર ધારાસભ્યોના ફોટા મુકવાની જરૂરિયાત શું છે? આ તેઓના પૈસા કામ કરવામાં આવે છે કે પ્રજાના પૈસા હોય છે? ધારાસભ્ય પોતાના ગજવામાંથી તો પૈસા આપતા નથી તો પછી ફોટા મુકવાની ક્યાં જરૂર છે?
આ એક બહોળો વિષય છે અને પ્રજાના હિતનો વિષય છે. વિકાસના કામો માટે યશ લેવામાં આવતું હોય તો પછી તૂટેલા રસ્તા તથા અન્ય સમસ્યાઓ બાબતે અપજશ લેવાની પણ તૈયારી રાખવી જોઈએ. આ બાબતે લંબાણપૂર્વક સુનાવણી થઈ હતી અને સુનાવણીના અંતે હાઇકોર્ટ એવો મત વ્યક્ત કર્યો હતો કે, આ બાબતે તેઓ ફરિયાદનો હુકમ કરવા માટે યોગ્ય મટીરીયલ નહીં હોવાથી તેઓ પિટિશન ગ્રાહ્ય રાખવા સંમત નથી.
બીજું કે અરજદાર પાસે નીચલી કોર્ટમાં પ્રાઇવેટ કમ્પ્લેન કરવાની પણ વિકલ્પ ખુલ્લો છે. આથી તેમણે વૈકલ્પિક રસ્તો અપનાવો જોઈએ. જો તેઓ ઇચ્છતા હોય કે કારણ સાથેનો આદેશ કરવો જોઈએ તો હું તમે જે પિટિશન કરેલી છે.
તે ઉપરાંત પણ બીજા મુદ્દા કે જે પ્રજાના હિતમાં છે તે ઉમેરીને આદેશ કરીશ. હાઇકોર્ટનો આવો મૂડ પારખીને ચુડાસમા ના વકીલે આ બાબતે તેમના અસીલ સાથે યોગ્ય મસલત કર્યા બાદ વધુ રજૂઆત કરવામાં આવશે તેમ કહીને સમય માંગ્યો હતો. આમ હવે આ કેસને સુનાવણી આવતા સપ્તાહે રાખવામાં આવી છે.