Dakor,તા.૨૧
યાત્રાધામ ડાકોર મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વાસ્તવમાં મંદિરના સેવકે મેનેજરને હટાવવા માગ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ અનેક પ્રકારના ગંભીર આરોપો સાથે વિનોદ સેવક નામના સેવકે મુખ્યમંત્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડને અરજી કરી છે. આ અરજીમાં ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જે.પી.દવેને હટાવવા માંગ કરી છે. નોંધનિય છે કે, જે.પી.દવે નિવૃત મામલતદાર છે અને ટેમ્પલ કમિટીમાં મેનેજર છે. આ પત્રમાં સેવકે જે.પી.દવેએ મામલતદારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ પણ કર્યો છે. આ સાથે જો ૨૭ જાન્યુઆરી સુધી આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકામાં આવેલા ડાકોર રણછોડરાયજી મંદિરમાં વર્ષે દહાડો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. જોકે હવે ડાકોર દર્શનાર્થીઓને કારણે નહિ પણ ટેમ્પલ કમિટીના મેનેજર અને એક સેવકના કારણે વિવાદમાં આવ્યું છે. વિનોદ સેવક નામના એક સેવકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને યાત્રાધામ વિકાસ બોર્ડને એક અરજી કરી. આ અરજીમાં તેમણે ટેમ્પલ કમિટીના મેનેજર જે.પી.દવે સામે જે આક્ષેપો કર્યા તે ખરેખર ચોંકાવનારા છે. અનેક આરોપો સાથે ઝ્રસ્ અને યાત્રાધામ વિકાસ બોર્ડને કરેલ અરજી મામલે કાર્યવાહી કરવા અને જો કોઈ કાર્યવાહી નહીં થાય તો તેમણે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વિગતો મુજબ વિનોદ સેવક નામના સેવકે મુખ્યમંત્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડને ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જે.પી.દવેને હટાવવા અરજી કરી માંગ કરી છે. જે.પી.દવે નિવૃત મામલતદાર છે અને હાલ ટેમ્પલ કમિટીમાં મેનેજર છે. અરજીમાં વિનોદ સેવકે આરોપ કર્યો છે કે જે.પી.દવેએ મામલતદારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો અને હાલ પણ મકરસંક્રાંતિના પર્વ નિમિતે ગાયોનું દાન પરંપરા મુજબ ન કર્યાનો આરોપ મૂક્યો છે.
નોંધનિય છે કે, વર્ષોથી મંદિર તરફથી બ્રાહ્મણને વાછરડા સાથે ગાય દાનમાં અપાય છે તો મકરસંક્રાંતિના પર્વ નિમિતે ગૌશાળાની ગાયને કંસાર પણ ખવડાવાય છે. જોકે આ વર્ષે મકરસંક્રાંતિએ ગાયને કંસાર નહીં ખવડાવીને મેનેજરે પરંપરા તોડ્યાનો ઉલ્લેખ અરજીમાં કર્યો છે. આ સાથે મંદિરના ટ્રસ્ટી ભરત ખંભોળજા અને અરૂમ મહેતા મેનેજરને છાવરતા હોવાનો આરોપ કરી ૨૭ જાન્યુઆરી સુધી કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી છે.