Morbi ,તા.4
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરા (48)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 31 ટી 4553 અને ડમ્પર નંબર જીજે 12 એટી 9670 ના ચાલકો સામે ફરિયાદ કરી હતી કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધૂનગર ક્લબ હાઉસ હોટલની સામેના ભાગમાંથી તેઓ ડબલ સવારી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે નેશનલ હાઈવે રોડ ઉપર બંધુનગર ક્લબ હાઉસ હોટલની સામે આવેલ કટ પાસેથી મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર રોંગ સાઈડમાં પોતાનો ટ્રક ચડાવ્યો હતો.
ત્યારે રસ્તો બંધ હોવાથી ફરિયાદીએ તેનું બાઈક નં. જીજે 3 સીજી 7784 ઉભું રાખ્યું હતું અને અન્ય વાહન ચાલકોએ પણ પોતાના વાહનોને બ્રેક કરીને ઉભા હતા ત્યારે ડમ્પર નં. જીજે 12 એટી 9670 ના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને બાઈક ઉપર બેઠેલા ફરિયાદી તથા દિનેશભાઈ લાલજીભાઈ વોરા (40) બંને બાઇક સહિત આગળ જતી કારની પાછળના ભાગમાં અથડાયા હતા અને ત્યારે ફરિયાદીને જમણા હાથ, જમણા પગ તથા ઢીંચણના ભાગે ઇજાઓ થઈ હતી.
જો કે, દિનેશભાઈ વોરા રસ્તા ઉપર નીચે પટકાતા આરોપીનું ડમ્પર તેના માથા અને શરીર ઉપરથી ફરી વળ્યું હતું જેથી દિનેશભાઈ વોરાનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ટ્રક અને ડમ્પરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેની તપાસ પીએસઆઈ બી.એમ.બગડા અને રાઇટર વાસુદેવભાઈ સોનાગ્રા ચલાવી રહ્યા હતા અને આ ગુનામાં આરોપી ફિરોઝ જાહરુદીન અન્સારી (34) રહે. ડાલી ઝારખંડ વાળાની ધરપકડ કરેલ છે.