Gujarat,તા.30
દેશભરમાં ધનતેરસે વિવિધ બજારોમાં ચિકકાર ખરીદી થઈ હતી અને તેમાં ગુજરાત પણ બાકાત રહ્યું નથી. વાહનોનું રેકોર્ડબ્રેક વેંચાણ થયુ છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડીલર્સ એસોસીએશનનાં રીપોર્ટ મુજબ વાહન વેચાણની દ્રષ્ટિએ ઓકટોબરના તહેવારોનો મહિનો સુપરડુપર રહ્યો છે.
ધનતેરસે એક જ દિવસમાં 60,000 ટુ વ્હીલર તથા 18000 કારની ડીલીવરી થઈ હતી. સંગઠનના ચેરમેન પ્રણવ શાહે કહ્યું કે તહેવારોની પવિત્રતા, સરળ ફાઈનાન્સ સ્કીમો જેવા કારણની ગહન વેચાણ વધ્યુ છે.
શહેરી વિસ્તારોમાં કરતા ગામડાઓની ખરીદી વધુ રહી હતી. વાહનોના રજીસ્ટ્રેશનમાં પણ મોટો ઉછાળો છે.ચાલુ ઓકટોબર મહિનામાં 2.60 લાખ નવા વાહનોનું રજીસ્ટ્રેશન થવાનો અંદાજ છે. જે રેકોર્ડ બનશે.
ઓટો વિક્રેતાઓના કહેવા પ્રમાણે માત્ર અમદાવાદ જીલ્લામાં જ 12000 ટુ-વ્હીલર તથા કારનું વેચાણ થયુ હતું જે ગત વર્ષની સરખામણીએ ટુ-વ્હીલરમાં 118 ટકા તથા કારમાં 81 ટકા વધુ છે. અત્યાર સુધીનાં વર્ષોની આ સર્વશ્રેષ્ઠ સિઝન રહ્યાનું અનુમાન છે.
એન્ટ્રી લેવલની કારમાં રીતસર સ્ટોક ખલાસ થઈ ગયો હતો. કૃષિ સીઝન સારી જવાના કારણોસર ગામડાઓની જોરદાર ડીમાંડ રહી હતી.એસયુવીનાં વેચાણમાં મોટો વધારો હતો.
કાર ખરીદનારા 75 ટકા ગ્રાહકોએ ફાઈનાન્સ સ્કીમો હેઠળ ખરીદી કરી હતી.કેન્દ્રીય પરિવહન મંત્રાલયનાં રીપોર્ટ પ્રમાણે ઓકટોબરમાં ગુજરાતમાં 1.84 લાખ ટુ-વ્હીલરનુ વેચાણ થયુ હતું જે 22 ટકાનો વધારો સુચવે છે કારનુ વેચાણ 8 ટકા વધીને 51781 યુનિટનું હતું.