એક તરફ સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિકની જાહેરાત કરી છે, જેમાં રાજકુમાર રાવ ગાંગુલીના રોલમાં જોવા મળશે
Mumbai, તા.૮
એક તરફ સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિકની જાહેરાત કરી છે, જેમાં રાજકુમાર રાવ ગાંગુલીના રોલમાં જોવા મળશે. ત્યારે બીજી તરફ હવે ગાંગુલી એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. નેટફ્લિક્સ પર આવનારી સિરીઝ ‘ખાકી ૨’ના પ્રમોશનલ વીડિયોથી તેણે એક્ટિંગ ડેબ્યુ કર્યું છે. આ પહેલાં ગાંગુલીએ ટીવીમાં કેટલીક જાહેરાતો અને ‘દાદાગિરી’ નામના ગેમશોમાં કામ કર્યું છે.હવે ઓટીટી પર એક્ટિંગ ડેબ્યુથી સૌરવ ગાંગુલીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધાં છે. નેટફ્લિક્સની ‘ખાકી ૨’ની પ્રમોશનલ જાહેરાતમાં ગાંગુલી જોવા મળ્યો છે. જેમાં તે પોલિસની વર્દીમાં દેખાય છે. તેનાથી એવી ચર્ચા શરૂ થઈ છે કે આ સિરીઝમાં ગાંગુલી કદાચ કોઈ પોલિસ ઓફિસરના રોલમાં પણ જોવા મળી શકે છે. ક્રિકેટ લિજેન્ડ ગાંગુલીના ફૅન્સ ઉત્સાહમાં છે કે મેદાન સિવાય હવે એક્ટિંગના મેદાનમાં પણ હવે દાદાની ફટકાંબાજી જોવા મળશે. આ સિરીઝમાં જીત અને પ્રોશોનજીત ચેટર્જી પણ મહત્વના રોલમાં છે, ત્યારે ગાંગુલીને જોઈને ફૅન્સ ઉત્સાહમાં આવી ગયાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગાંગુલીએ બરુઈપુરના બિનોદિની સ્ટુડિયોમાં શૂટ કર્યું હતું. તેના ખાકી વર્દીના ફોટો અને વીડિયો વાયરલ થયાં છે. આ સિરીઝ શ્રી વેંકટેશ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે, તો હવે ગાંગુલીનું એક્ટિંગ ડેબ્યુ કેવું રહેશે તેની લોકોને રાહ છે. ‘ખાકી – ધ બેંગાલ ચેપ્ટર’નું ટ્રેલર ૫ માર્ચે રિલીઝ થયું છે. ૨૦૦૦ના સમયની વાત કરતી આ એક્શન ડ્રામાની સિરીઝની આ સીઝનમાં રાજકારણ, ગૅંગવૉર અને પોલિસતંત્રની વાત છે. આ સિરીઝ નીરજ પાંડે દ્વારા તૈયાર થઈ છે અને ડેબાત્મા મંડલ અને તુષાર કાંતિએ ડિરેક્ટ કરી છે.