New Delhi,તા,03
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર બાદ અસના વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD)એ મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું છે.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, મધ્ય પ્રદેશના હરદા, બેતુલ, દેવાસ, ખરગોન અને બુરહાનપુરમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે. ભોપાલમાં પાંચમી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. ઈન્દોર, રતલામ, શાજાપુર, ઉજ્જૈન, ખંડવા, રાયસેન, ધાર, સિહોર સહિત 22 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. રીવા, સતના, જબલપુર, ગ્વાલિયર, સાગર, દમોહ અને શહડોલ સહિત 28 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અસના વાવાઝોડું પૂર્વ વિદર્ભ અને તેલંગાણા તરફ આગળ વધ્યું અને બીજી સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગ્યે વિદર્ભ અને તેની નજીકના મધ્ય ભાગો પર નબળું પડ્યું. હાલમાં આ વાવાઝોડું વિદર્ભ અને પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ તે સંપૂર્ણપણે નબળુ પડી શકે છે.
તેલંગાણામાં રૂ. 5,000 કરોડનું નુકસાન
તેલંગાણામાં મુશળધાર વરસાદને કારણે સંબંધિત વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકારે 5,000 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવ્યો છે. જેને લઈને કેન્દ્ર સરકાર પાસેથી 2,000 કરોડ રૂપિયાની તાત્કાલિક સહાયની માંગ કરી હતી. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.