Dakor,તા.29
ડાકોરમાં સસ્તા અનાજની દુકાનનું લાઈસન્સ રદ થતાં ગોપાલપુરાના ૧૫૦ રેશનકાર્ડધારકો અનાજ લેવા માટે ચાર કિલોમીટર દૂર ઝાખેડ ગામનો ધક્કો ખાવા મજબૂર બન્યા છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સુધી રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવ્યો હોવાના આક્ષેપ રેશનકાર્ડધારકો લગાવી રહ્યા છે. તેમજ ડાકોરની દુકાનમાં સસ્તા અનાજનો જથ્થો નહીં ફાળવાય તો ડાકોર પાલિકાની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી હતી.
ડાકોરના ગોપાલપુરા વિસ્તારના રેશનકાર્ડધારકોને અગાઉ ગણેશ ટોકીઝ વિસ્તારમાં કનૈયા કોમ્પ્લેક્સમાં ચાલતી પી.એમ.ભટ્ટની દુકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો મળતો હતો. આ દુકાનનું લાઈસન્સ રદ કરતા ડાકોરમાં ચાલતી એમ.એસ. ચાવડાની દુકાને સસ્તા અનાજના પરવાનેદારોને અનાજનો જથ્થો આપવામાં આવતો હતો.
છેલ્લા છ મહિનાથી રેશનકાર્ડધારકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવતા ડાકોરથી ચાર કિલોમીટર દૂર ઝાખેડ ગામે રેશનકાર્ડ તબદીલ કરી દેવામાં આવ્યા છે. પરિણામે ગોપાલપુરાના રહીશો અનાજ લેવા માટે ચાર કિ.મી. દૂર જવા મજબૂર બન્યા છે. આ અંગે ગોપાલપુરાના ૧૫૦ રેશન કાર્ડધારકોએ વારંવાર પુરવઠા મામલતદારને રજૂઆતો કરી હતી. પરંતુ યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાથી ગ્રાહકોએ જિલ્લા પુરવઠા અધિકારી સુધી પણ રજૂઆત કરી હતી. છતાં એક વર્ષથી આ બાબતનો કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાના આક્ષેપ લાગ્યા છે. ત્યારે જ્યાં સુધી સસ્તા અનાજનો જથ્થો ડાકોરની દુકાનમાં નહીં ફાળવાય ત્યાં સુધી ડાકોર પાલિકાની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની અને ઉગ્ર આંદોલન કરવાની ગોપાલપુરાના રહિશોએ ચિમકી ઉચ્ચારી હતી.
પુરવઠા મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીની એકબીજાને ખો
ઠાસરા પુરવઠા મામલતદાર મીલન જાનીએ દણાવ્યું હતું કે, પુરવઠાના ૧૫૦ કાર્ડ ગ્રાહકો બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી છે. તેમનું માર્ગદર્શન માગેલું છે પરંતુ કોઈ જવાબ આવ્યો નથી માટે આ પ્રશ્ન ઉભો થયો છે. જિલ્લા પુરવઠા અધિકારી વી.આર.પારગીએ જણાવ્યું હતું કે, તેમની કચેરીએથી આ ૧૫૦ કાર્ડ ગ્રાહકોને ડાકોરના સસ્તા અનાજની દુકાનોમાં ટ્રાન્સફર કરી દેવાનું ઠાસરા મામલતદારને જણાવ્યું છે.