Rajkot: લોન કૌભાંડમાં વધુ એક શખ્સના આગોતરા જામીન રદ

Share:
અન્ય લોકોના નામની આર.સી. બુક, ઈન્સ્યોરન્સ પોલીસી,  કારના કોટેશનો, બીલો સહિત ખોટા ડોકયુમેન્ટસ રજુ કરી ૧૦  કાર પર બેંકમાંથી  લોન મેળવી’તી
Rajkot,તા.08
વિજય કોમર્શિયલ કો.ઓ. બેંક પાસેથી ૧૦ કાર માટે લોન મંજુર કરાવી રૂ. ૯૩ લાખની રકમની ઉચાપત કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી શ્રૃજય વોરાની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત વિજય કોમર્શિયલ કો.ઓ. બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા દેવિકાબેન વસાએ શ્રૃજય વોરા અને લક્ષ્યાંક વિઠ્ઠલાણીએ સાથે મળી બે અલગ અલગ પેઢીઓના નામે રૂ. ૯૩.૧૫ લાખની લોન મંજુર કરવી હતી. આ લોન મેળવવા બન્નેએ કાવતરૂ રચી પોતાના સગા વ્હાલાઓ અને ઓળખીતાઓ તેમજ અન્ય લોકોના નામની આર.સી. બુક, ઈન્સ્યોરન્સ પોલીસી, મોટરકારના કોટેશનો તથા બીલો વિગેરે ખોટા ડોકયુમેન્ટસ રજુ કરી ૧૦ મોટર કારો માટે  રૂ. ૯૩.૧૫ લાખની લોન મેળવી લીધી હતી. આ કૌભાંડ બહાર આવતા એ-ડીવીઝન પોલીસે પાંચ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. જે કેસમાં સંડોવાયેલા આરોપી શ્રૃજય વોરાએ  પોલીસ ધરપકડની દહેશતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીના બચાવ પક્ષે અરજદાર શ્રૃજય વોરાની જામીન અરજીના સમર્થનમાં રજુઆત કરેલ હતી કે તેઓ આ બેંકમાં કોઈ હોદો ધરાવતા નથી તેથી તેઓએ આવા કોઈપણ કૌભાંડમાં કોઈ ભાગ ભજવેલ નથી.
જ્યારે સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ  એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, વિજય બેંકના આસીસ્ટન્ટ મેનેજરે ફરીયાદ કરી જણાવેલ છે કે રૂ. ૯૩.૧૫ લાખની લોન મેળવી લેવા માટે આરોપીઓએ જે દસ્તાવેજો રજુ કરેલ છે તે દસ્તાવેજો બનાવટી હોવાનું જાણવા છતા બ્રાંચ મેનેજર તરીકે આરોપી દેવિકાબેન વસાએ લોન મંજુર કરેલ છે. આ લોન મંજુર કરતા પહેલા તેણીની ફરજ હતી કે આ દસ્તાવેજો વાળા વાહન નંબરો આર.ટી.ઓ.માં નોંધાઈ આવે છે. આ અંગે ફરીયાદીએ તપાસ કરતા જાણવા મળેલ કે બેંકમાં રજુ થયેલ નંબરોવાળા વાહનોના દસ્તાવેજો આર.ટી.ઓ.માં જુદા વ્યકિતઓના નામે છે. આ રીતે આરોપીઓએ સંયુકત રીતે કાવતરૂ રચી એક વ્યકિતના નામે લોન મંજુર કરાવી બીજા વ્યકિતઓના નામે વાહનો ખરીદેલ છે. આ મુજબનો ગુનો ફકત પુર્વઆયોજીત કાવતરાથી જ આચરી શકાય છે તેથી અરજદારની આગોતરા જામીન અરજી રદ થવી જોઈએ. સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ કોઈ આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો આવા આરોપીને પોલીસ રીમાન્ડ ઉપર સોંપી શકાતા નથી. જો પોલીસને આરોપીની રીમાન્ડ મળે નહી તો ગુના અંગેની કોઈ અસરકારક તપાસ થઈ શકે નહી જેનો સીધો લાભ આરોપીને ગેરવ્યાજબી રીતે મળે છે જેથી આરોપીને આગોતરા જામીન આપી શકાય નહી. જે  સરકાર તરફેની રજુઆતોના અંતે સેશન્સ જજ  ડી.એસ.સિંઘે આરોપી શ્રૃજય વોરાની આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *