US election : સટ્ટાબજારમાં ટ્રમ્પ આગળ નીકળી ગયા

Share:

Washington, તા.17
અમેરિકામાં હવે ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં સટ્ટાબજારમાં પણ ગરમાવો આવી ગયો છે. ઘણા પોલ્સ પ્રમાણે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં આગળ જોવા મળી રહ્યા છે. પરંતુ સટ્ટાબજારમાં ચિત્ર કંઈક અલગ જ છે.

સટ્ટાબજારમાં રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ કમલા કરતાં આગળ છે. સતત બે મહિના સુધી કમલા હેરિસની તરફેણ કર્યા પછી PredictItના ટ્રેડર્સનો ઝુકાવ હવે ટ્રમ્પ તરફ થઈ ગયો છે અને સટ્ટાબજારોમાં ભૂતપૂર્વ પ્રમુખ ચૂંટણી જીતવા માટે ઓડ્સ-ઓન ફેવરિટ છે.

પ્રેડિક્ટઈટ પર ટ્રમ્પ 54 ટકા પર છે જ્યારે કમલા હેરિસની ટકાવારી 49 ટકા છે. જુલાઈના અંત બાદ પ્રથમ વખત આ પ્લેટફોર્મ પર કમલા હેરિસનો સ્કોર 50 ટકાથી નીચે આવી ગયો છે.

પ્રિડિક્ટઈટના પ્રવક્તા લિન્ડસે સિંગરે જણાવ્યું હતું કે, કેમ્પેઈનમાં હવે ત્રણ સપ્તાહ બાકી છે અને પોલ્સ દર્શાવે છે કે સચોટ રીતે હજી કંઈ કહી શકાય તેમ નથી. આ ઉપરાંત સટ્ટાબજારમાં આ જે ચિત્ર પલટાયું છે તે પણ અંતિમ છે તે ખાતરીપૂર્વક કહી શકાય નહીં. આગામી દિવસોમાં તેમાં પણ ઉથલપાથલ જોવા મળી શકે છે.

બીજી તરફ ક્રિપ્ટો-આધારિત પ્રીડિક્શન માર્કેટ પોલીમાર્કેટ (PolyMarket) પર પણ ટ્રેડર્સ છેલ્લા કેટલાક મહિનાઓમાં ટ્રમ્પને વધુ કમ્પિટિટિવ જોયા છે અને ઓક્ટોબરની શરૂઆતમાં બંને ઉમેદવારો ડેડ હીટમાં જોવા મળ્યા હતા.

જોકે, ત્યારબાદ ટ્રમ્પ કમલા હેરિસથી ઘણા આગળ નીકળી ગયા છે. પોલીમાર્કેટના બેટર્સ ટ્રમ્પની જીતની સંભાવના 55 ટકા માની રહ્યા છે જ્યારે કમલા હેરિસની ટકાવારી 45 ટકા છે.

RealClearPolitics  દ્વારા જે બેટિંગ ડેટા એકત્ર કરવામાં આવ્યા છે તે પ્રમાણે ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની સંભાવના 54.1 ટકા છે જ્યારે કમલા હેરિસની સંભાવના 44.9 ટકા છે.

બેટફેર પર ટ્રમ્પની જીતની સંભાવના 52 ટકા જ્યારે કમલાની સંભાવના 43 ટકા છે. સ્માર્કેટ્સ પર આ ટકાવારી 53 ટકાથી 44 ટકા છે. બેટ્સસન, બાવેડા અને બ્વિનના ડેટા પણ દેખાડે છે કે ટ્રમ્પ ફરીથી યુએસ પ્રમુખ બને તેવી સંભાવના અનુક્રમે 56 ટા, 54 ટકા અને 55 ટકા છે.

જ્યારે આ ત્રણેય પ્લેટફોર્મ પર કમલા હેરિસના વિજયની સંભાવના 46 ટકા છે. જ્યારે પોઈન્ટ્સ બેટ પર ટ્રમ્પની ટકાવારી 57 ટકા છે જ્યારે કમલા હેરિસની સંભાવના 45 ટકા છે.તાજેતરના પોલ્સ દેખાડે છે કે યુએસની ચૂંટણીમાં હાલમાં સટ્ટાબજાર જે ચિત્ર દેખાડી રહ્યું છે તેના કરતાં પણ વધારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *