Mumbai, તા.૨૧
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, બાંદ્રા ફેમિલી કોર્ટમાં બંનેના છૂટાછેડાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માને બાંદ્રા ફેમિલી કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જ્યાં તેમના છૂટાછેડાની ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી બંનેના રસ્તા હંમેશાં માટે અલગ થઈ ગયા છે.યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. બાંદ્રા કોર્ટના વકીલને ટાંકીને પુષ્ટિ આપી છે કે બંનેને ફોર્માલિટી પૂર્ણ કરવા માટે ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યાં હતાં, જ્યાં બધી કાનૂની ફોર્માલિટી પૂર્ણ થઈ ગઈ છે. જોકે યુઝવેન્દ્ર કે ધનશ્રી બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તે બંને ઘણીવાર તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રહસ્યમય રીતે સ્ટોરી મૂકતાં જોવા મળ્યાં છે.યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચારથી તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતું અને તેમની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હતા.યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ૨૦૨૦માં ગુરુગ્રામમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. ધનશ્રી વર્મા એક ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેમના લગ્ન બાદ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા અને અવારનવાર એકબીજા સાથેના ફોટા અને વીડિયો શેર કરતા હતા. તેમની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવતી હતી.