Bhuj,તા.૧૮
કચ્છમાં ભૂજમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જેમાં ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતો દ્વારા એક યુવકને ફસાવીને ૨૨ લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની પોલીસમાં ફરિયાદ બાદ હનીટ્રેપમાં ભુજ એ ડિવિઝન પોલીસે ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક સાથે ૨ આરોપીઓની ધરપકડ કરી છે.
ભુજમાં કોંગ્રેસના નગરસેવકે યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. એક યુવકને હનીટ્રેપમાં ફસાવી ૨૨ લાખ પડાવ્યાની ફરિયાદ થઈ છે. ભુજના છ ડિવિઝન પો.સ્ટે.માં ૫ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં આરોપીઓમાં ભુજ પાલિકા કોંગ્રેસના નગરસેવક હમીદ સમાની સંડોવણી ખુલી છે. યુવકને હનીટ્રેપમાં ફસાવી નગરસેવકે બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. યુવતી સાથે યુવકના ફોટા પાડી આરોપીએ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે નગરસેવક સહિત અન્ય આરોપીની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, ભુજ શહેરમાં ત્રણેક માસ પહેલા કાલિકા રીંગરોડ નજીક રહેતા મહેબૂબ નામના એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર યુવતીની રિક્વેસ્ટ અને મેસેજ આવે છે. જે મેસેજમાં યુવક વાતચીત શરૂ કરે છે, ત્યારબાદમાં યુવતી આ યુવકને ફોન – વિડીયો કોલ કરીને વાતચીત કરે છે. થોડા દિવસ બાદ મિત્રતા કેળવીને તેને મળવાનું કહે છે. મિત્રતા કેળવીને બંને સૌથી પહેલા માધાપર ખાતે મળે છે. ત્યારબાદ નાસ્તો કરીને તેઓ ભુજના હિલ ગાર્ડનમાં ફરવા જાય છે. સાંજના સમયે હિલ ગાર્ડનમાંથી નીકળતી વેળાએ અચાનક એક પુરુષ આ બંનેને પકડી લે છે. ત્યારે યુવતી કહે છે કે , આ મારા કાકા સસરા છે, અહીંયાથી એટલે આપણે ભાગી જઈએ’. એટલે ગભરાયેલો યુવક યુવતીને લઈને પરત માધાપર મુકવા માટે જાય છે. માધાપર મૂકી તે ઘર તરફ રવાનો થઈ ગયો હતો. દરમિયાન તેના એક કૌટુંબીક ભાઈ સરફરાઝનો ફોન આવે છે અને કહે છે કે, ‘તું હિલ ગાર્ડનમાં કોઈ યુવતી સાથે રંગરેલીયા મનાવતો ઝડપાયો હોવાનું મને જાણવા મળ્યું છે અને તારા ફોટા પણ મારી પાસે આવ્યા છે’. જેને પગલે ગભરાયેલો યુવક મહેબૂબ પૂછે છે કે. ‘તને મારા ફોટા કોણે મોકલ્યા અને કોણે કહ્યું’. એટલે તે કહે છે કે મને ભુજના આપણા ઓળખીતા નગરસેવક હમીદે ફોટા મોકલ્યા છે. તે યુવકને એમ કહીને ડરાવે છે કે, યુવતીના ઘરવાળા બહુ ખરાબ છે અને તને શોધી રહ્યા છે. જો તારી મેટર પતાવી હોય તો આપણે બંને હમીદ સમા સાથે મળી લઈએ, જેથી મામલાને થાળે પાડી શકાય, ખરેખર આવું કહીને યુવકને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો.
વધુમાં, ત્યાર પછી ભોગ બનનાર યુવક અને આરોપી તેમજ તેના મિત્રો હમીદ નગરસેવક સમા પાસે જાય છે. નગરસેવક હમીદ તેને મળવા બોલાવે છે અને આ મામલો પૂર્ણ કરવાની હૈયાધારણા આપે છે. આ યુવક પોતાના મિત્રો સાથે આદિપુર જાય છે ત્યાં યુવતી આવે છે અને અચાનકમાં તેનો ઉભો કરેલો પતિ આવી જાય છે અને મામદ નામનો પતિ મહેબૂબને ધાક ધમકી કરી અને માર મારે છે. બાદમાં તે કહે છે કે મારી પત્ની મને નથી જોઈતી તમે તમારી સાથે લઈ જાવ. યુવતીને લઈ આરોપી નગર સેવક હમીદ સમા, સરફરાઝ અને તેના મિત્રો પરત ભુજ આવવા માટે નીકળે છે અને ત્યાં રસ્તામાં યુવતી કહે છે કે, તું મને તારા ઘરે લઈ જા. જેથી યુવક કહે છે, કે મારા ઘરે લઈ જવામાં તકલીફ ઉભી થઇ જશે. યુવકને ફસાયેલો અને ગભરાયેલો જોઈને યુવતી અને હમીદ તેને મકાન લઈ આપવાની વાત કરે છે. જેના માટે ૫૦ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. છેવટે ભુજમાં પહોંચીને મામલો ૧૯ લાખ રૂપિયામાં સેટલ કરવાનું નક્કી થાય છે.
ફરિયાદમાં આપેલ માહિતી મુજબ, હનીટ્રેપમાં ફસાયેલો યુવક એ જ દિવસે રાતે પોતાના ઘરેથી ૩ લાખ રૂપિયા લઈ આ યુવતી અને આ લોકોને આપે છે. ત્યારબાદ યુવતીને જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરે છે અને મહેબૂબને વધુ દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે યુવક બીજા પૈસા બીજા દિવસે પોતાની બુલેટ અને પ્લોટ વેચીને તેમજ ઘરેણા ફાઈનાન્સમાં ગીરવે મૂકી ૫ દિવસમા ૧૯ લાખ રૂપિયા ચૂકતે કરી આપે છે જેનું આ લોકો સમાધાન પત્ર પણ ઉભું કરી અને સહી કરીને તરકટ રચે છે. વાત આટલેથી અટકતી નથી, થોડા દિવસ બાદ ફરીથી મામદે અરજી કરી હોવાનું કહીને યુવક પાસેથી દાગીના માટે ૪ લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે. આમ કુલ ૨૨ લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે.
સમગ્ર મામલે પતિ ગયા પછી થોડા દિવસ પહેલા યુવકને તેના મિત્રએ કહ્યું કે, તારા સાથે હનીટ્રેપ થઈ ગઈ છે અને તને ફસાવવામાં આવ્યો છે. એટલે મહેબૂબ તેના મિત્રને લઈને ભુજ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાય છે. જ્યાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ભુજ પોલીસે નગરસેવક અબ્દુલ હમીદ સમા અને મહેબૂબના કૌટુંબિક ભાઈ સરફરાજની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.