ઠાકુર બંધુઓએ લોખંડનો સળીયો માથામાં ઝિક્યો, રોડ પર ઢસડ્યો
Rajkot,તા.18
તારો ભાઈ અમને ગાળો આપે છે કહી હુડકો ચોકડી નજીક કલર કામના ધંધાર્થી પર પરપ્રાંતિય ઠાકુર બંધુઓએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. બંને હુમલાખોરોએ લોખંડના સળિયા વડે ઘા ઝીંકતા યુવકનું માથું ફૂટી ગયું હતું જયારે રોડ પર ઢસડતા યુવકને છોલછાલ થઇ હતી. મામલામાં ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો છે.
મામલામાં કોઠારીયા રોડ પર આશાપુરા સોસાયટીમાં રહેતા અને કલરકામનો વ્યવસાય કરતા સુરજસીંગ શીવકુમાર ઠાકુર(ઉ.વ.૩૨)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ભીમસીંગ મંગલસીંગ ઠાકુર અને રબીતસીંગ મંગલસીંગ ઠાકુર નામના શખ્સોનું નામ આપતાં જણાવ્યું હતું કે, હું છેલ્લા દસેક વર્ષથી ગુજરાતમાં રહું છું અને મારું મૂળ વતન કાનપુર (યુ.પી) છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યે હું હુડકો ચોકડી બલરાજભાઈની ચાની હોટલ સામે બેઠો હતો. તે દરમિયાન ભીમસિંગ તથા રબિતસિંગ બંને ભાઈઓ મારી પાસે આવેલ અને મને કહેવા લાગેલ કે તારો ભાઈ કરણસિંહ મને ગાળો આપે છે. બાદમાં બંને ભાઈઓ ફરિયાદીણે ગાળો આપવા લાગેલ હતા. મેં તેને ગાળો દેવાની ના પાડતા તે બંને એકદમ ઉશ્કેરાઇ જઇ ભીમસિંગે બાજુમાંથી લોખંડનો સળીયો લઈ મને માથામાં પાછળના ભાગે એક ઘા મારી દીધેલ હતો જેથી લોહી નીકળવા લાગેલ હતું અને હું નીચે પડી ગયેલ હતો. બાદમાં બંને શખ્સોએ બેફામ ઢીકાપાટુનો માર માર્યો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, રબિતસિંગે મને જમણો પગ પકડી ખેંચતા રોડ સાથે મારો પગ ઘસાતા ગોઠણના ભાગે છોલાણ થયેલ હતું. બાદ આજુ બાજુમાંથી માણસો ભેગા થઈ જતા મને વધુ મારમાંથી છોડાવેલ હતો અને બંને ભાઈઓ નાસી ગયાં હતા. બાદમાં મેં મારા ભાઈ કરણસિંગને ફોન કરી જાણ કરતા તે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મને મોટરસાયકલમાં બેસાડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ હતો.
બાદમાં યુવકે હોસ્પિટલના બિછાનેથી ઠાકુર બંધુઓ વિરુદ્ધ ફરિયાદ આપતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. મામલાની તપાસ હાલ પીએસઆઈ વી એલ રાઠોડ ચલાવી રહ્યા છે.