Rajkot,તા.૧૮
રાજકોટના મવડીમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. પરિવારનો આરોપ છે કે ૨૬ વર્ષની પુત્રી કોમલે ભૂવાના ત્રાસથી કંટાળીને ઝેર પીને આત્મહત્યા કરી હતી. આ યુવતીને ભુવા કેતન સગઠિયાએ ધાર્મિક વિધિઓના નામે પ્રેમ જાળમાં ફસાવી હતી અને તે તેની સાથે ભાગી ગયો હતો. જે બાદ કોમલ છેલ્લા દોઢ વર્ષથી ભુવા કેતન સાથે રહેતી હતી. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. આ સાથે, ફરાર ઠગ ભુવાની શોધ માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના મવડી ગામની રહેવાસી કોમલે ૧૩ માર્ચે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસરને કારણે, યુવતીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન કોમલનું મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે કેતન સગઠિયા નામના વ્યક્તિએ દોઢ વર્ષ પહેલા કોમલને પ્રેમ જાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યું હતું. આઠ મહિના પહેલા કેતને કોમલને ઝેર આપ્યું હતું. તેની પત્નીએ પણ કેતન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કોમલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું ત્યારે કેતન હોસ્પિટલના પલંગ પર લાશ છોડીને ભાગી ગયો હતો. તેણે ઘણી દીકરીઓનું જીવન બરબાદ કરી નાખ્યું છે.
કેતન સગઠિયાએ કોમલને ઝેર આપીને મારી નાખ્યા હોવાના સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. મૃતકના પિતાના આરોપો બાદ, તાલુકા પોલીસે મૃતક યુવતીનાં મૃતદેહનો ફોરેન્સીક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.