Jamnagar,તા.24
જામનગરમાં ટાઉનહોલ રોડ પર શનિવારે રાત્રે માર્ગ પર જ રહેતા બે પરિવારના જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને બે યુવાનો સામ સામે બાખડી પડ્યા બાદ એક યુવાનનું ટુવ્હીલર સળગાવી દેવાયું હતું, જેના કારણે અફડાતફડી થઈ હતી, અને લોકોના ટોળા એકઠા થયા હતા, તેમજ ટ્રાફિક જામ થયો હતો. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી જઈ આગને બુઝાવી હતી, તેમજ પોલીસ તંત્રએ પણ દોડી જઈ વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.
જામનગરમાં ટાઉનહોલ પાસે માર્ગ પર રહેતા શખ્સો કોઈ કારણોસર બાખડી પડ્યા હતા. ત્યારબાદ એક શખ્સ દ્વારા ઉશકેરાટમાં આવી જઈ સામા જૂથનું એક ટુવ્હીલર સળગાવી દેવાતાં અફડાતફડી મચી ગઈ હતી.
આ બનાવની જાણ થતાં સૌ પ્રથમ ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જ્યારે આ બનાવના પગલે માર્ગ પર ટ્રાફીક જામ થઇ ગયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા.
જેથી સીટી બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ભારે જહેમત લઈને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. જોકે પોલીસ પહોંચે તે પહેલાં બાખડી રહેલા શખ્સો ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.