Madhya Pradesh,તા.04
મધ્ય પ્રદેશના અશોકનગરતા.04 થી એક દુઃખદ વીડિયો સામે આવ્યો છે. જેમાં 24 વર્ષીય શાહરૂખ મિર્ઝા નામનો યુવક છાતીમાં દુખાવાની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે તપાસ કરાવવા ગયો હતો. ડૉક્ટરના ઘરની સામે બેન્ચ પર બેસીને તે રાહ જોતો હતો, ત્યારે અચાનક હાર્ટ અટેક આવતા યુવક બેન્ચ પરથી નીચે પડી જાય છે. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
CCTV માં કેદ થઈ સમગ્ર ઘટના
CCTV વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક બેન્ચ પર બેસીને રાહ જોઈ રહ્યો છે. અચાનક તે પોતાના બંને હાથ પગ પર મુકે છે અને થોડી જ સેકન્ડમાં બાજુની બેન્ચ પર પડી જાય છે. તેનું માથું જોરથી બેન્ચ પર અથડાય છે. યુવકને અચાનક પડતા જોઈ આજુબાજુના લોકો તેને ઊભો કરવા દોડી આવે છે. હડબડાટમાં લોકો તેને દવાખાને લઈ જાય છે, જ્યાં ડૉક્ટર તેને મૃત જાહેર કરે છે. મળતી માહિતી મુજબ, મૃતક ગભરામણની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. મંગળવારે તે સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ડૉક્ટર પંકજ ગુપ્તાના સરકારી આવાસ પર સારવાર કરાવવા પહોંચ્યો હતો.
આખી રાત થતો છાતીમાં દુખાવો
યુવકની મોત પર ડૉક્ટર પંકજ જણાવે છે કે, તે અમારી પાસે સારવાર માટે આવ્યો હતો. આશરે બે મિનિટ સુધી બેન્ચ પર બેઠો અને પછી અચાનક પડી ગયો. અમે તેને ચંદેરી સિવિલ હોસ્પિટલ લઈ ગયાં, જ્યાં તેનો ECG રિપોર્ટ કરવામાં આવ્યો, જોકે તે પહેલાં જ તેનું મોત થઈ ચુક્યુ હતું. તેને રાતથી જ છાતીમાં દુખાવો થતો હતો. યુવકની મોતનું કારણ હાર્ટ એટેક છે.
પરિવારનો આધારસ્તંભ હતો
મળતી માહિતી મુજબ, મૃતક શાહરૂખ મિર્ઝાની બાઇક રિપેરિંગની દુકાને હતી. તેને દુકાને જ ગભરામણ અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ, તે પોતાના ઘરે જતો રહ્યો હતો. સોમવાર સુધી તબિયતમાં સુધારો ન થવાથી તે સારવાર માટે ડૉક્ટર પંકજ ગુપ્તા પાસે ગયો હતો. યુવક ઘરમાં એકલો જ કમાવનાર હતો. તેના નાના ભાઈની માનસિક સ્થિત ઠીક નથી તેમજ પિતા પણ ઘણાં સમય પહેલા મૃત્યુ પામ્યા હતાં. યુવકની એક નાની બહેન છે અને પત્ની ગર્ભવતી છે. હવે તેના પરિવારમાં તેની માતા, નાનો ભાઈ, પત્ની અને દીકરી છે.