Mumbai,તા.28
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ છે જે આ વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ પુત્રી સુહાના સાથે જોવા મળશે. આ સંજોગોમાં જાણીતા ઍક્ટર અને ફિલ્મમેકર મહેશ માંજરેકરે ખુલાસો કર્યો છે કે ‘હું શાહરુખ ખાન સાથે ફિલ્મ બનાવવા માગું છું અને મારી પાસે સુપરસ્ટાર માટે સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. હું શાહરુખને ભાડૂતી હત્યારા તરીકે ફિલ્મમાં જોવા માગું છું.’
એક ઇન્ટરવ્યુમાં મહેશ માંજરેકરે શાહરુખની પ્રશંસા કરીને તેને શાનદાર ઍક્ટર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ’મને લાગે છે કે શાહરુખ એક એવો ઍક્ટર છે જેની ઍક્ટિંગની ક્ષમતાને ઓછી આંકવામાં આવી છે. તે શાનદાર છે. તે કેમેરા સામે ખૂબ સહજ રહે છે.’
આ ઇન્ટરવ્યુમાં જ્યારે મહેશ માંજરેકરને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભવિષ્યમાં શાહરુખ ખાન સાથે ફિલ્મ બનાવશે? ત્યારે તેમણે કહ્યું કે ‘હું ઇચ્છું છું કે ફિલ્મમાં શાહરુખ ભાડૂતી હત્યારાનું પાત્ર ભજવે.
ફિલ્મમાં તેના પાત્રએ ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હશે – અને એ પછી તે અહીં આવ્યો હશે. – એથી તે સારાં કપડાં પહેરે છે અને રિમલેસ ગ્લાસનાં ચશ્માં તેનો લુક અલગ દર્શાવે છે.’