Bengal ના ભાગલા પાડવા ભાજપ કેમ તત્પર? પગપેસારો કરવાની ચાલ સામે મમતા બેનર્જી પણ સજ્જ

Share:

West-Bengal,તા.02

રાજકીય શતરંજની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ એક એવી ચોપાટ છે, જેના પર આજ સુધી ભાજપની ચાલ રંગ નથી લાવી. તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને નાથી ન શકાતા ભાજપ હવે કંઈક નવો દાવ અજમાવવાની ફિરાકમાં છે. એ દાવ છે બંગાળના ભાગલાનો! જી, હા. બંગાળનું પાર્ટિશન! ચાલો સમજીએ કે શું છે યોજના અને શું છે એ યોજનાની સફળતાની શક્યતા?

ભાગલાની યોજના અને તેના વિકલ્પ

ગત અઠવાડિયે ભાજપાના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પશ્ચિમ બંગાળના ત્રિ-વિભાજનનું સૂચન કર્યું છે. એમાં નીચે મુજબના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે.

•ઉત્તર બંગાળને ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં સામેલ કરવું.

•ગ્રેટર કૂચ બિહારને અલગ રાજ્ય બનાવવું.

•બંગાળના માલદા અને મુર્શિદાબાદ જિલ્લાઓને બિહાર અને ઝારખંડના અમુક ભાગ સાથે ભેગા કરીને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવું.

શા માટે મૂકાઈ છે યોજના? 

ભાજપે પશ્ચિમ બંગાળમાં પગપેસારો કરવાનો ધરખમ પ્રયત્ન કર્યો છે, પરંતુ વધુ સફળતા હાથ નથી લાગી. પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં લડેલી 42 બેઠકોમાંથી માત્ર 12 બેઠકો જીતી હતી. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે હવે બે વર્ષ કરતાંય ઓછો સમય છે. આમ તો પશ્ચિમ બંગાળને મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ગઢ કહેવામાં આવે છે. પરંતુ ઉત્તર બંગાળમાં ભાજપને સારો જનાધાર સાંપડ્યો છે. તેથી જો ઉત્તરના જિલ્લાઓનું ગઠન કરીને અલગ રાજ્ય બનાવવામાં સફળતા મળે તો એક આખું રાજ્ય ભાજપ ગજવે લઈ શકે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના આંગણામાં ફાચર મારીને એ હિસ્સો હડપ કરી જવાની પેરવી કરાઈ રહી છે. આ રાજરમતને ‘ભાગલા’ કે ‘વિભાજન’ કહેવાને બદલે ભાજપે એને ‘પુનર્ગઠન’ જેવું સુંવાળું નામ આપ્યું છે.

યોજના પાછળ રજૂ કરાયેલા કારણો

પશ્ચિમ બંગાળના પુનર્ગઠનની માંગણી કરવામાં સૌથી અગ્રણી અવાજ છે રાજ્ય એકમના ભાજપ પ્રમુખ સુકાંત મજુમદારનો. એમણે જ વડાપ્રધાન સમક્ષ આ યોજના મૂકી છે અને એ માટેના નીચે મુજબના કારણો આપ્યા છે.

•ભારતના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર અને ઉત્તર બંગાળના જિલ્લાઓ વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ ઘણીબધી સામાનતાઓ હોવાથી એમનું એકીકરણ કરવું જોઈએ.

•પશ્ચિમ બંગાળ સરકાર ઉત્તર બંગાળના વિકાસ પર પૂરતું ધ્યાન ન આપતી હોવાથી ઉત્તર બંગાળનો વિકાસ રુંધાય છે. અલગ રાજ્ય બનાવાય તો એને કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ મળી શકે.

•બંગાળના ‘માલદા’ અને ‘મુર્શિદાબાદ’ જિલ્લાઓને બિહારના ‘અરરિયા’, ‘કિશનગંજ’ અને ‘કટિહાર’ જિલ્લાઓ તથા ઝારખંડના ‘સંથાલ પરગણા’ પ્રદેશને ભેગા કરીને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાય તો વિકાસના મામલે ખાસ્સો પાછળ પડી ગયેલો એ વિસ્તાર પ્રગતિ કરી શકે.

•પ્રાસ્તાવિક વિસ્તારને જો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવે તો એના પર કેન્દ્ર સરકારનો સીધો અંકુશ આવે, જેને લીધે આ વિસ્તારમાં વધી ગયેલી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને કાબૂમાં લઈ શકાય. આ ઉપરાંત પણ એક મુદ્દો એવો છે જેને જાહેર કર્યા વિના ભાજપે લક્ષ્યમાં રાખ્યો જ છે. માલદા અને મુર્શિદાબાદ મુસ્લિમ પ્રભુત્ત્વ ધરાવતા જિલ્લા છે, એટલે એને જો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાય તો એટલા ભાગ પર નિયંત્રણ રાખવું ભાજપ માટે સરળ બની રહે. વધુમાં એ જિલ્લાઓમાં રહેલી મુખ્યમંત્રી મમતા બેનર્જીની મતબેંક પણ તૂટે. જેને કહેવાય એક તીર સે દો શિકાર. સ્માર્ટ મૂવ!મજુમદારના પ્રસ્તાવની વિગતો જોતાં એમ કહી શકાય કે એના પર છેક જ ચોકડી મૂકી દેવા જેવું નથી, કારણ કે તેઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રના શિક્ષણ અને વિકાસના કેન્દ્રીય રાજ્ય મંત્રી છે અને ત્યાંની સ્થિતિથી સારી રીતે વાકેફ છે. એ કારણસર પણ એમની યોજનાનું મૂલ્ય છે ખરું.

શું જોખમ છે યોજનાને અમલમાં મૂકવામાં?

પશ્ચિમ બંગાળના વિભાજનના ખ્યાલ માત્રથી એ રાજ્યના લોકોને 1905 અને 1947માં વેઠેલી વિભાજનની વ્યથા યાદ આવી જાય એમ છે. હાલપૂરતો ફક્ત કાગળ પર રહેલો આ વિચાર જો અમલમાં મૂકવામાં આવે તો રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળવાનો ભય રહેલો છે. એમ થયું તો ફાયદો મેળવવાનું તો દૂર ભાજપના સમર્થનમાં રહેલા બંગાળીઓને પણ બીજેપી આંખમાં કણાની જેમ ખૂંચવા લાગે એવું બની શકે. આમ બંગાળનો વિભાજન-પ્રયોગ ભાજપ માટે ઉલમાંથી ચૂલમાં પડવા જેવો સાબિત થઈ શકે છે.

શું કહેવું છે રાજકીય નિષ્ણાતોનું?

આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે, ભાજપ પાસે અન્ય રાજ્યોમાં છે એવી કોઈ સ્પષ્ટ વ્યૂહરચના બંગાળના મામલે નથી, માટે તેઓ આવા ગતકડાં કર્યે રાખે છે. આ યોજનામાં કંઈ દમ નથી, એનો ફુગ્ગો ફૂટી જતાં વાર નહીં લાગે. અમુક નિરીક્ષકો કહે છે કે, ભાજપની રણનીતિ બેકફાયર થઈ શકે છે. સીએમ મમતા બેનર્જીની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ ‘બંગાળના વધુ એક ભાગલા’ના મુદ્દાને ચગાવીને બંગાળીઓની લાગણીઓ ઝંકૃત કરશે તો ભાજપ પાસે જે કંઈ જનાધાર છે એ પણ ગુમાવવો પડશે.

યોજનાની દરખાસ્તના પગલે ઊઠી જૂની માંગ

આ યોજનાનો પ્રસ્તાવ મૂકાતાં જ નેપાળી ભાષીઓની ‘ગોરખાલૅન્ડ’ અને રાજબોંગશી વંશીય જૂથની ‘ગ્રેટર કૂચ બિહાર’ જેવા અલગ રાજ્યોની વર્ષો જૂની માંગ ફરી બેઠી થઈ ગઈ છે. એક માંગ અલગ ‘કામતાપુર’ રાજ્યની પણ છે. ઇન ફેક્ટ, આ ત્રણે રાજ્યો માટેની હાકલ દાયકાઓ જૂની હોવાથી પહેલાં એ પૂરી કરવાની માંગ ઊઠી છે. 2014માં નરેન્દ્ર મોદીએ ‘ગોરખા કા સપના મેરા સપના’ કહીને ત્યાંના લોકોને અલગ ગોરખાલૅન્ડની લોલીપોપ પણ પકડાવી હતી, જેનું આજ સુધી કશું થયું નથી.

વાઘણની ગર્જના

આ પ્રસ્તાવ બાબતે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉગ્રતા બતાવી છે. એમણે કહ્યું છે કે, ‘ચાર (કેન્દ્રીય) મંત્રીઓએ ઉત્તર બંગાળના વિભાજનની વાત કરી છે. હું એની કડક નિંદા કરું છું. તમે બંગાળનું વિભાજન કરવા આવો તો ખરા, હું તમને બતાવીશ કે તેને કેવી રીતે રોકવું.’

વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે પણ ભાજપ ચૂંટણી હારે છે ત્યારે તેઓ આવા રોદણા રડવા માંડે છે. 2021ની વિધાનસભા ચૂંટણી પછી કરેલું એમ આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં પણ માર ખાધા પછી તેઓ બંગાળના ભાગલા પાડવાની વાત કરવા લાગ્યા છે. રાજ્યની વિધાનસભાના સમર્થન વિના બંગાળનું વિભાજન શક્ય જ નથી.’

ભાજપમાં છે તડા?

નિષ્ણાતો તો ઠીક, ભાજપના જ ઘણા નેતાઓ આ પ્રસ્તાવના વિરોધમાં છે. રાજ્યમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘ભાજપ પશ્ચિમ બંગાળનું વિભાજન કરવા માંગતી નથી.’ દાર્જિલિંગના કુર્સિયોંગના ધારાસભ્ય બિષ્ણુ પ્રસાદ શર્માએ કહ્યું છે કે, ‘ઉત્તર બંગાળને ઉત્તરપૂર્વમાં ભેળવી દેવાની મજુમદારની દરખાસ્ત કાલ્પનિક છે.’

ઘણા નેતા મજુમદારના પ્રસ્તાવને બાજુ પર મૂકીને અલગ કામતાપુર રાજ્યની માંગ પૂરી કરવાના હિમાયતી છે. ઝારખંડે પણ નવીન કેન્દ્રશાસિત પ્રદેશમાં એના વિસ્તારને ભેળવી દેવાનો વિરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના વિકાસને નામે એના પુનર્ગઠનનું આખું કમઠાણ મુખ્યમંત્રી મમતા બેનર્જીના અજેય ગઢના કાંગરા ખેરવવા માટે જ ઘડાયું છે. ઉત્તર બંગાળમાં બીજેપીને નોંધપાત્ર જનસમર્થન મળ્યું હોવા છતાં બંગાળમાં એક ઘા ને બે કટકા કરવું એમના માટે સરળ નહીં બને.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *