Mumbai,તા.09
નાગાર્જુનના દીકરા અને સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા નાગા ચૈતન્ય અને પૂર્વ મિસ ઈન્ડિયા અર્થ શોભિતા ધૂલિપાલાએ આજે સગાઈ કરી લીધી છે. આ અંગે જાણકારી આપતા નગાર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘મારા દીકરા નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાએ આજે સવારે 9:42 વાગ્યે સગાઈ કરી લીધી છે. તેણીને પરિવારમાં આવકારતા અમે ખુશી અનુભવીએ છીએ. 8.8.8 (8 ઓગસ્ટ 2024) એ અનંત પ્રેમની શરૂઆત છે.’
છૂટાછેડા પછી ચૈતન્ય અને શોભિતાની ડેટ શરુ
નાગા ચૈતન્ય અને સામંથાએ 2021માં એકબીજા સાથે છૂટાછેડા લીધા હતા. બંનેના રસ્તાઓ અલગ હોવાથી નાગા ચૈતન્યે પોતાની જીંદગીમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. નાગા ચૈતન્યના સામંથા સાથે છૂટાછેડા લીધા પછી ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યુ હતું. આ દરમિયાન શરૂઆતમાં તેઓ એકબીજાના છાનીછૂપી રીતે મળતાં હતા, પરંતુ તેમના બંનેની ડેટિંગની ખબરો મીડિયામાં આવવા લાગી હતી. આ સાથે તેઓ ઘણી વખત જાહેરમાં પણ સાથે જોવા મળ્યા હતા.
બંનેએ તેમના સંબંધો વિશે ક્યારેય કંઈ કહ્યું ન હતું
બંનેના ડેટિંગની અફવાઓને ઘણી વખત વાયરલ તસવીરોએ વેગ આપ્યો હતો. એવું કહેવાય છે કે, ‘નાગા ચૈતન્યએ સામંથાથી છૂટાછેડા લીધાના થોડા મહિના પછી જ શોભિતાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને ઘણી વખત જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. જો કે, બંનેએ તેમના સંબંધો વિશે ક્યારેય કંઈ કહ્યું ન હતું.’
બંનેએ એક સાથે યુરોપમાં રજાઓ માણી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નાગા ચૈતન્ય અને શોભિતાના સંબંધો મજબૂત થતાં ગયા હતા. આ દરમિયાન બંનેની ડેટિંગની અનેક વખત અફવાને લઈને ચર્ચામાં રહેવા છતાં ક્યારેય બંનેએ આ અંગે ખુલીને ચર્ચા કરી નથી. એક વાયરલ તસવીરમાં બંને યુરોપમાં રજાઓ માણી રહેલા જોવા મળે છે. જો કે, ચૈતન્યના ફોટોની પાછળ રહેલા ટેબલ પર શોભિતા બેઠી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સામંથા અને નાગ ચૈતન્યના છૂટાછેડા કેમ થયા?
સામંથા અને નાગા ચૈતન્યના લગ્ન વર્ષ 2017માં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લગ્નના ત્રણ વર્ષ બાદ બંને વચ્ચે મતભેદ શરૂ થયા હતા. કહેવાય છે કે, બંને વચ્ચે ઝઘડા પણ શરૂ થયા હતા. અંતે બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઈને વર્ષ 2021માં અલગ થઈ ગયા હતા.