Mumbai,તા.21
ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમનાર ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર અને બેટર ઋષભ પંતે પૂરા 619 દિવસ પછી ટીમમાં પુનરાગમન કર્યું છે. બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે કપરા સમયમાં ભારતીય ટીમને સંભાળી હતી. પરંતુ મેચના બીજા દિવસે તેનો એક નિર્ણય ખોટો સાબિત થયો હતો, જેના કારણે તેણે મેચની વચ્ચે માફી માંગવી પડી હતી. તેણે આ માફી ટીમના પોતાના સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ સામે માંગી હતી.
હકીકતમાં 20 સપ્ટેમ્બરે મેચના બીજા દિવસે બાંગ્લાદેશની ઇનિંગની શરુઆતમાં આ ઘટના બની હતી. ઇનિંગની ચોથી ઓવર મોહમ્મદ સિરાજ ફેંકી રહ્યો હતો. સિરાજના પાંચમા બોલ પર બેટર ઝાકિર હસન સામે LBWની જોરદાર અપીલ કરવામાં આવી હતી. સિરાજ માની રહ્યો હતો કે બાંગ્લાદેશી બેટર આઉટ થઈ ગયો છે, અને તે અપીલ સાથે વિકેટનો આનંદ મનાવી રહ્યો હતો, પરંતુ એવું બન્યું નહીં. અમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો, જેનાથી સિરાજની સાથે ભારતીય ટીમના બાકીના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હવે ભારતીય ટીમ પાસે અમ્પાયરના નિર્ણયને પડકારવાનો એક જ ઉપાય હતો કે, કૅપ્ટન આ નિર્ણય સામે DRS(Decision Review System)નો વિકલ્પનો ઉપયોગ કરે, જેથી રિવ્યુમાં ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ જાય. સિરાજે પણ આ માટે કૅપ્ટન રોહિત શર્માને સમજાવતો જોવા મળ્યો હતો, પરંતુ રોહિતે તેની વાત માની ન હતી. કારણ કે વિકેટકીપર ઋષભ પંતે રોહિતને આવું કરતાં રોક્યો હતો. પંત કહી રહ્યો હતો કે બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો, તેથી તે આઉટ નહીં થાય અને રિવ્યુ પણ બગડશે. આખરે રોહિતે રિવ્યુ લીધો ન હતો.
પરંતુ થોડી જ વારમાં સ્ટેડિયમમાં લાગેલી મોટી સ્ક્રીન પર રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, બોલ લેગ સ્ટમ્પને લાગ્યો હતો જેથી ઝાકિર આઉટ થઈ શક્યો હોત. આ સાથે સિરાજે તરત જ પંતનું ધ્યાન આ તરફ દોર્યું હતું. આ જોઈને પંતે પણ પોતાની ભૂલ સ્વીકારી અને મેદાન પર જ સિરાજ સામે માફી માંગી હતી. જો કે ઝાકિર હસન પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 4 ઓવર પછી જ આકાશ દીપે તેણે બોલ્ડ કરી દીધો હતો.
અગાઉની ઇનિંગમાં ભારતીય ટીમ 376 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિવસના પહેલા સેશનમાં જ ટીમે 37ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર ભાગીદારી કરીને ભારતનો સ્કોર 376 સુધી લઈ ગયા હતા.