Mumbai, તા.3
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વેસ્ટ ઈન્ડિઝની ગેરહાજરીથી ’નિરાશ’ અને ’દુ:ખી, ભૂતપૂર્વ મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડ્સ ઇચ્છે છે કે કેરેબિયન ટીમ અફઘાનિસ્તાન પાસેથી બોધપાઠ લે અને વિશ્વ ક્રિકેટમાં પોતાની જાતને ફરીથી ઉભી કરે.
વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા એવી બે ટીમો છે જેણે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે પરંતુ આઠ ટીમોની સ્પર્ધાની વર્તમાન સિઝન માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે.
‘ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ’ની સ્ટીયરિંગ કમિટીના સભ્ય રિચર્ડ્સે રવિવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ લોકો (અફઘાનિસ્તાન)ના કામ થી બોધપાઠ લઈ શકે છે કારણ કે અફઘાનિસ્તાનના ખેલાડીઓએ રમતમાં જુસ્સો અને ઊર્જાનો સંચાર કર્યો છે. તેઓ (અફઘાનિસ્તાન) કદાચ અન્ય ટીમો જેટલા લાંબા સમયથી ક્રિકેટ જગતમાં નથી પરંતુ તેમની પાસે લડવાની ક્ષમતા છે.
રિચર્ડ્સ શુક્રવારે 73 વર્ષના થશે, તેમણે કહ્યું કે, વિન્ડીઝને ફક્ત ખેલાડીઓ જ નહીં, પરંતું તેમાં સામેલ દરેકના પ્રયાસોની જરૂર પડશે.ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર રહેવા સિવાય વિન્ડીઝની ટીમ ભારતમાં 2023માં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પણ ભાગ લઈ શકી નથી.
રિચર્ડ્સે કહ્યું, મને ખૂબ ગુસ્સો છે કે આટલી મોટી વિરાસત ધરાવતી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નથી. તે મને ઘણું દુ:ખ પહોંચાડે છે કારણ કે અમે ઘણી સારી ટીમ રહ્યા છીએ.