Dahod,તા.24
બેટી બચાવો- બેટી પઢાઓ ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે ત્યારે બળાત્કાર-હત્યા અને દુષ્કર્મના બધા આરોપીઓનું ભાજપ કનેક્શન ખૂલ્યું છે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થાય છેકે, કેસરિયો ખેસ પહેરો અને ગુનો આચરવાનો પરવાનો મેળવો. અન્ય રાજ્યમાં બળાત્કારની ઘટના થાય તો હોબાળો-હંગામો મચાવવામાં ભાજપ કશુંય કસર છોડતી નથી ત્યારે ગુજરાતમાં કલંકિત કરતી ઘટનાનો બની રહી છે ત્યારે ભાજપના નેતાઓના મોં સિવાઇ ગયા છે.
ભાજપ માસુમ દીકરી માટે કેન્ડલ માર્ચ ક્યારે યોજશે
દાહોદમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી ઘટના બની છે. સિઘવડ ગામમાં 6 વર્ષની માસુમ દિકરીની હત્યા કરનારાં શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટનું આરએસએસ-વિશ્વ હિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યું છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી અર્જૂનસિંહ સાથેના ફોટો પણ વાયરલ થયા છે.
હવે સવાલો ઉઠ્યાં છે કે, દાહોદની માસુમ દિકી માટે ભાજપ કેન્ડલ માર્ચ યોજશે ખરી? પાટણમાં બળાત્કારની ઘટનામાં ભાજપ યુવા મોરચાનો મંત્રી પકડાયો છે. રાજકોટના આટકોટ ખાતે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ પ્રકરણમાં ભાજપના પદાધિકારીની સંડોવણી ખુલી છે.
વડોદરામાં એક પરિણિતા પર ભાજપના કાર્યકરે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ આરોપીના પણ ભાજપના ધારાસભ્ય સાથેના ફોટા રાજકીય કનેક્શનની ગવાહી આપી રહ્યા છે. ટૂંકમાં, આ ઘટનાઓ દર્શાવે છે કે ભાજપનો ખેસ પહેરો એટલે ગુનો કરવાનો પરવાનો મેળવો.
ગાંધીના ગુજરાતને શર્મસાર કરતી ઘટનાઓમાં મોટાભાગના આરોપીઓનું ભાજપ સાથેનું કનેક્શન ખુલ્યું છે ત્યારે વાલીઓ ચિંતામાં મૂકાય છે. ઉલ્લેખનીય છેકે, પશ્વિમ બંગાળમાં બળાત્કારની ઘટનાઓમાં ભાજપે આખાય ગુજરાતમાં દેખાવો કર્યા હતાં. પણ હાલ ભાજપનો એકેય નેતા હરફ ઉચ્ચારવા તૈયાર નથી. જો આવી ઘટનાઓમાં કોઇ કોંગ્રેસ કે કોઇ અન્ય પક્ષના નેતા-કાર્યકરનું નામ ખુલ્યું હોત તો ભાજપે આખા ગુજરાતમાં દેખાવો-રેલી યોજી હંગામો મચાવી દીધો હોત…