Vadodara,તા,25
નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં ધૂસી દુષ્કર્મ ગુજારનાર અનગઢના ભાજપના કાર્યકર આકાશ ગોહિલને શોધવા માટે નંદેસરીના પીઆઇ એ બે ટીમો બનાવી છે. તો બીજીબાજુ આરોપીની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપના વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મહિલાને મોબાઇલ પર ચેટ કરી ઘરમાં કોઇ છે કે કેમ તે જાણી લઇ રાતે દુષ્કર્મ ગુજારનાર અનગઢના ભાજપના કાર્યકર આકાશ ગોહિલ સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પીડિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં સંસદ સભ્ય તેમજ જિલ્લાના ધારાસભ્યો સાથે ફોટા પડાવી ફરતા કરનાર કાર્યકર આકાશ ગોહિલ ફરાર થઇ ગયો છે.
તો બીજીતરફ આકાશ ગોહિલની એક કથિત ઓડિયો ક્લિપ ફરતી થઇ છે.જેમાં આકાશ તરીકે વાત કરી રહેલો વ્યક્તિ કહી રહ્યો છે કે, એ ગમેત તે કરે..અમારી પાસે સત્તા છે, પાંચ-પાંચ ધારાસભ્યો છે, કાંઇ થાય નહિ. અમારો પીએ હતો રાજેશ ગોહિલ.(રેપ કેસ નો આરોપી) જે દસ દિવસમાં છૂટી ગયો હતો.
નંદેસરીના પીઆઇ સ્વપ્નિલ પંડ્યાએ કહ્યું હતું કે,અમારી ટીમો આકાશને શોધી રહી છે.પોલીસને તેના મહત્વના સગડ હાથ લાગ્યા છે.જેથી ટૂંક સમયમાં જ તે પકડાઇ જશે. પોલીસે પીડિતાનું કોર્ટ સમક્ષ નિવેદન પણ લેવડાવ્યું છે.
શું હતી ઘટના?
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદમાં પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પરણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાત્રે જ્યારે તે સૂતી હતી તે દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ (રહે. કૃષ્ણનગર, અનગઢ ગામ, વડોદરા) નામનો વ્યક્તિ તેના ઘરે ઘૂસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ આકાશે આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો.આ ઉપરાંત પીડિતાના ફોનમાં વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી હોવાની વાત પણ પરણિતાએ કરી હતી. આ અંગે પીડીતાએ પરિવારજનોને જાણ કરતાં તેમણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.