સ્વર્ગ-નર્કના ચક્કરમાં એવા ફસાયા છીએ કે વાસ્તવિક જીવન તરફ નજર કરતા જ નથી

Share:

આપણે સ્વર્ગ અને નર્કના ચક્કરમાં એવા ફસાયા છીએ કે વાસ્તવિક જીવન તરફ નજર કરતા જ નથી. સ્વર્ગ અને નર્કની વાતો જે સાંભળીએ છીએ તેના વિશે ક્યાંય કોઈનો જાત અનુભવ હોય તેવું ઉદાહરણ મળ્યું છે. કોઈએ ક્યારેય કહ્યું છે કે, ફલાણી વ્યક્તિ સ્વર્ગમાં હતી અને ત્યાંથી તેણે પોતાના અનુભવો કહ્યા કે પછી નર્કમાં રહેનારી વ્યક્તિએ પોતાની યાતનાઓ વિશે આત્મકથા લખીને નીચે મોકલાવી. ઉપર ગયા પછી શું થાય છે તે બધી જ વાતો માત્ર કલ્પનાઓ છે. આ એવી કલ્પનાઓ છે જે વ્યક્તિને સારા કાર્યો કરવા માટે પ્રેરાણા પૂરી પાડતી રહે અને ખોટા રસ્તે જતી અટકાવી. આપણે આ મુખ્ય સાર ભુલીને સ્વર્ગ અને નર્કની વાતોને પકડીને તેની પાછળ કામ કરીએ છીએ.

વાત એવી છે કે, એક ગામ હતું તેમાં રાઘવ નામનો એક યુવક રહેતો હતો. તેની જન્મ સમયે જ તેની માતાનું નિધન થયું હતું. તેના ઘરમાં તેના પિતા, મોટી બહેન અને રાઘવ એમ ત્રણ લોકો હતા. રાઘવના પિતા ગામના શિવમંદિરના પૂજારી હતા. મંદિરની બાજુમાં જ તેમનું મકાન હતું. તેમનું ગાડું મંદિરના કારણે ચાલી જતું હતું. સમય જતાં રાઘવ મોટો થયો અને તે પણ મંદિરમાં પૂજા-પાઠ કરાવતો થઈ ગયો. આ રીતે તેમનું ગુજરાન ચાલતું અને સંતુષ્ટ જીવન જીવતા. રાઘવ લગભગ ૨૫ વર્ષનો થયો ત્યાં જ તેના પિતાનું અવસાન થયું. તેમની ઉત્તરક્રિયા કરવામાં આવી.

આ ગામમાં તે સમયે એક માન્યતા હતી. જે વ્યક્તિ મૃત્યુ પામે તેની પાછળ એક નાનકડી માટલી લેવામાં આવતી. તેમાં પથ્થરો મુકવામાં આવતા અને તેની વચ્ચે એક ચળકતો પત્થર મુકવામાં આવતો. ધનિક લોકો તેમાં સોનાનો, ચાંદીનો ટૂકડો મુકતા કે પછી અન્ય કોઈ કિમતી ધાતુ મુકતા. આ માટીના ઘડાને મોઢું બહાર રહે તે રીતે નદીના પાણીમાં રાખવામાં આવતો અને તેને એક લાકડીથી મારવામાં આવતી. જો ઘડો પાણીની અંદર રહીને પણ ફુટી જાય અને ચળકતો પથ્થર અથવા ધાતૂનો ટુકડો બહાર આવી જાય તો મૃત વ્યક્તિને સ્વર્ગ મળ્યું છે તેમ માનવામાં આવતું.

રાઘવને તે સમયની આ પરંપરા બહુ ગળે ઉતરતી નહોતી. તેમ છતાં રિવાજ હતો તેથી તેણે આ રિવાજ પૂરો કરવો પડે. આ અવઢવમાં એક દિવસ તે પાસેના ગામમાં ગયો હતો. ત્યાં દેશાટને નીકળેલા કોઈ તેજસ્વી વ્યક્તિ પોતાના શિષ્યો સાથે આવ્યા હતા. તેઓ ગામની ભાગોળે પોતાના શિષ્યો સાથે રોકાયા હતા. રાઘવે તેમને જોયા એટલે તેમના દર્શન કરવા પહોંચી ગયો. ત્યાં ગામના ઘણા લોકો હાજર હતા. રાઘવનો નંબર આવ્યો એટલે તેણે વંદન કરીને કહ્યું ગુરુજી મારો એક સવાલ છે.

ગુરુજીએ તેને પૂછવા કહ્યું. રાઘવે કહ્યું કે, મૃત્યુ પછી સ્વર્ગ અને નર્ક મળ્યું છે તે ખરેખર કેવી રીતે નક્કી થતું હશે. આપણને અહીંયા રહીને કેવી રીતે ખબર પડે કે સ્વર્ગ અને નર્ક ક્યાં છે અને કેવા છે. મારા પિતાજીનું અવસાન થયું છે અને તેમને સ્વર્ગ મળ્યું કે નર્ક તેની મને કેવી રીતે જાણ થશે. ગુરુજીએ કહ્યું કે, તું એક કામ કરજે. તારા પિતાની ઉત્તરક્રિયા બાદની જે વિધિ કરવાની છે તેમાં એક ઘડો તમારા રિવાજ પ્રમાણે ભરજે અને બીજો ઘડો ઘીથી ભરજે. બંને ઘડાને સાથે રાખીને નદીમાં મુકજે. ત્યારબાદ જે રીતે રિવાજ હોય તે રીતે કરજે.

રાઘવ પોતાના ઘરે આવ્યો. નક્કી કરેલા દિવસે તે પોતાના પિતાની વિધિ માટે નદી કિનારે પહોંચી ગયો. તેના પરિવાર અને કુટુંબના કેટલાક લોકો તથા ગામના મોભીઓ હાજર હતા. રાઘવે બંને ઘડા ભરીને નદીમાં મુક્યા. ત્યારબાદ વિધિ પ્રમાણે બંનેને વારાફરતી દંડા ફટકાર્યા. બંને ઘડા ફૂટી ગયા. પથ્થર ભરેલો ઘડો ફૂટયો અને તેમાંથી પથ્થરો નીકળ્યા જે પાણીની નીચે સમાઈ ગયા. ઘી સપાટી ઉપર આવીને નદીના પ્રવાહ સાથે વહી ગયું. ગામના અને પરિવારના લોકો ખુશ થયા કે રાઘવના પિતાને સ્વર્ગ મળી ગયું છે. રાઘવને કંઈ ખાસ ગોઠયું નહીં.

તે બીજા દિવસે પેલા ગુરુ પાસે ગયો અને સમગ્ર ઘટનાની રજૂઆત કરી. ગુરુજીએ તેની વાત સાંભળીને સ્મિત કર્યું. તેમણે કહ્યું કે, તારા પિતાજી જેમણે વિધિ કરાવી તેમની પાસે જઈને કહેજે કે, આવતીકાલે ફરીથી વિધી કરવી છે. તેમાં તમે પથ્થરને તરાવજો અને ઘીને ડૂબાડી દેજો. રાઘવે કહ્યું કે, ગુરુજી એવું તો શક્ય જ નથી. પથ્થર ક્યારેય તરી શકે જ નહીં. સતયુગ હતો અને ભગવાન શ્રી રામના નામે પથ્થર તરી ગયા. બાકી પથ્થર પાણીમાં ડૂબી જ જાય. ઘી ક્યારેય ડૂબી શકે જ નહીં તે તો પાણી ઉપર તરતું જ રહે.

ગુરુજીએ ફરીથી સ્મિત કરીને કહ્યું કે, જીવનનું પણ આવું જ છે. સ્વર્ગ અને નર્ક મૃત્યુ પછી હોતા જ નથી. તમારા કર્મો જ તમારા પથ્થર અને ઘી છે. તમે જેટલા સારા કર્મો કરતા રહેશો તે બધા જ ઘીની જેમ પાણીની ઉપર એટલે કે સમાજની સપાટી ઉપર તરતા રહેશે અને સમાજને દેખાતા રહેશે. તે સ્થિતિ તમારા માટે સ્વર્ગ જેવી હશે. તમે જો ખોટા કામ કર્યા હશે તો તે પાણીમાં પથ્થર સમાઈ ગયા તેમ સમાજમાં તમારી ખોટી છાપ બનીને .સમાઈ જશે. સમાજ તમને તળીયે બેસાડી દેશે. તે સ્થિતિ તમારા માટે નર્ક જેવી સ્થિતિ હશે. માણસના મૃત્યુ પછી કોઈ વિધિ એવી નથી કે જે તને સ્વર્ગ કે નર્ક સુધી લઈ જતી હોય અથવા તો તેની પ્રાપ્તિ કરાવતી હોય.

મૃત્યુ પછીની વિધી આપણા શાસ્ત્રોએ જણાવેલું એક કર્મ છે જે આપણે કરીએ છીએ. માણસ તરીકે તો આપણે જીવતેજીવ જે કર્મ કરીએ છીએ તે જ આપણા સાચા સ્વર્ગ અને નર્કના દ્વાર ખોલે છે. મૃત્યુ પછી કશું ભોગવવાનું જ નથી. આપણે જે વર્તમાન સમયમાં કરીશું, આપણે જે જીવતેજીવ કરીશું તે જ અહીંયા ભોગવીશું. સારા કામ કર્યા હશે તો તેના સારા પરિણામો મળશે અને ખોટા કામ કર્યા હશે તો ખરાબ પરિણામો મળશે. આ બંને સ્થિતિ સ્વર્ગ અને નર્ક જેવી જ છે. એકમાં આપણને આનંદ મળશે જ્યારે બીજામાં આપણે દુ:ખી થઈશું. માણસે પોતાના મૃત્યુ પછીની સ્થિતિ વિશે વિચારવા કરતા મૃત્યુ પહેલાંનું જીવન કેવી રીતે પસાર કરવું છે તેના વિશે વિચારવું જોઈએ.આપણા સમાજમાં યુગોથી સ્વર્ગ અને નર્કની વાતો થયા જ કરે છે. આ વાત એવી છે જેને કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાય સાથે લેવાદેવા નથી. ક્યાંક સ્વર્ગ અને નર્ક છે તો ક્યાંક હેવન અને હેલ છે તો ક્યાંક જન્નત અને જહન્નમની વાત છે. આ બધું અંતે તો માણસના અંત પછીની જ સ્થિતિને રજૂ કરતી વાતો છે. આપણે જે ધર્મગ્રંથો વાંચીએ છીએ, જે પ્રવચનો સાંભળીએ છીએ, જે ધર્મગુરુઓની વાતોનું અનુસરણ કે અનુકરણ કરવાનો પ્રયાસ કરીએ છીએ તે આપણા વ્યક્તિત્વ અને પરિવારને ઉત્કૃષ્ટ બનાવવા માટે હોય છે. આપણી સમાજ વ્યવસ્થા એ પ્રકારે ગોઠવાઈ છે કે ધર્મ તેનો અભિન્ન અંગ છે. જો સમાજમાંથી ધર્મને દૂર કરી દેવામાં આવે તો માણસ આ ધરતી ઉપર જીવી શકે તેમ જ નથી. દુનિયાની મોટાભાગની વસતી પોતાના ધર્મ સાથે ખૂબ જ મજબૂત રીતે જોડાયેલી છે. તેમાં પણ ધર્મનો સાર, જીવનનું અંતિમ સત્ય, મૃત્યુ પછીની વ્યક્તિની સફર અને બીજું ઘણું આપણે માનીએ છીએ અને તેનું અનુસરણ પણ કરીએ છીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *