Ahmedabad,તા.08
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનું પ્રતિક બનેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ ત્રણ વર્ષથી વાહન વ્યવહાર માટે બંધ છે. હવે આ બ્રિજ પર ગાબડાંની સંખ્યા વધી હોવાની અને બ્રિજ થોડો નમી ગયો હોવાના સમાચાર વહેતા થયા છે. આ ઉપરાંત લોકોને નીચેથી પસાર થવામાં સાવચેત રહેવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બીજી તરફ આ બ્રિજ તોડીને નવો બનાવવા માટે ચોથી વખત બહાર પાડવામાં આવેલું ટેન્ડર પણ માત્ર એક જ પાર્ટીએ ભર્યું છે. માટે નજીકના ભવિષ્યમાં બ્રિજને લગતો કોઈ મહત્ત્વનો નિર્ણય થાય તેવા કોઈ સંકેતો નથી.
રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું
હાટકેશ્વર બ્રિજ નીચેથી ૫સાર થવાના બદલે બીજા રૂટ પસંદ કરવાની લોકોને સલાહ આપતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અગાઉ 40 કરોડ રૂપિયાથી વધુની રકમના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ ગણતરીના વર્ષોમાં જ બિનઉપયોગી બની ગયો છે. બ્રિજ પર પડેલા ગાબડાંના લીધે જોખમી સ્થિતિ સર્જાતા આ બ્રિજ વાહન વ્યવહાર માટે ત્રણ વર્ષથી બંધ કરાયો છે. હવે 52 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તોડીને નવો બનાવવા માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવે છે. પરંતુ કામગીરી કરવા માટે કોઈ એજન્સી તૈયાર થતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ચોથી વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું છે. ત્રીજી વખતના પ્રયાસમાં પણ આવી રીતે એક જ પાર્ટી આવી હતી. જેણે ટેકનિકલ કાગળો રજૂ ન કરતા ટેન્ડર મંજૂર કરાયું નહોતું.
બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ
અમદાવાદ મ્યુનિસિપલને કોઈ એજન્સી કામગીરી માટે મળતી નથી, તો બીજી તરફ બ્રિજ પર ગાબડાંની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ આ બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. બ્રિજ પર મ્યુનિસિપલની કચરો એકત્ર કરવાની લારીઓના ઢગલા પણ કરાયા છે. સોશિયલ મીડિયામાં વહેતી થયેલા મેસેજ અનુસાર સીટીએમથી ખોખરા તરફ જતા ડાબી બાજુનો બ્રિજ થોડો નમી ગયો છે. જો કે, આ વાતમાં કેટલું તથ્ય છે? તે અંગે મ્યુનિ.ના અધિકારીઓ ફોડ પાડતા નથી. પરંતુ સોશિયલ મીડિયામાં લોકોને બ્રિજ નીચેથી પસાર થવાનું ટાળવા અપિલ કરાઈ રહી છે. વૈકલ્પિક રૂટ તરીકે મણિનગર અથવા ખોખરાથી પસાર થવાની લોકોને સલાહ અપાઈ રહી છે.