vladimir putin દુનિયામાં સૌથી ધનિક રાજકારણી છે,લગભગ રૂપિયા ૧૭ લાખ કરોડ

Share:

પુતિન પ્રમુખ તરીકે વાર્ષિક ૧.૪૦ લાખ ડોલર (લગભગ ૧.૨૦ કરોડ રૂપિયા) પગાર લે છે. સત્તાવાર રીતે મોસ્કોમાં ૮૦૦ ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ, એક ટ્રેઈલર અને ત્રણ કાર એટલી સંપત્તિ પુતિનના નામે બોલે છે પણ બિન સત્તાવાર રીતે લખલૂટ સંપત્તિના માલિક છે. અમેરિકાના ફાયનાન્સિયર બિલ બ્રાઉડરે ૨૦૧૭માં અમેરિકાની સેનેટ જ્યુડિશિયલ કમિટી સમક્ષ આપેલી જુબાનીમાં આ આંકડો આપેલો એ જોતાં અત્યારે પુતિન પાસે વધારે સંપત્તિ હોઈ શકે છે. 

પુતિનની સંપત્તિમાં મહેલ જેવાં ઘર, લક્ઝુરીયસ કાર્સ અને યોટ્સ, મોંઘીદાટ ઘડિયાળો, યુરોપના કંપનીઓમાં ભાગીદારી, યુરોપના દેશોની બેંકોમાં મૂકાયેલી ડીપોઝિટ્સ વગેરે ઘણું બધું છે. પુતિનના રશિયામાં બ્લેક સી પાસે આવેલા ભવ્ય ઘરની જ કિંમત ૧.૫ અબજ ડોલર (લગભગ ૧૨,૬૦૦ કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે. પ્રાઈવેટ બીચ પર બનાવાયેલા ૧.૯૦ ચોરસ ફૂટના મકાનમાં આંખો ફાટી જાય એવી સવલતો છે. 

માર્બલનો સ્વિમિંગ પુલ, ગ્રીક ગોડ્સનાં સ્ટેચ્યુ, ફ્રેન્ચ ઝુમ્મર વગેરે ધરાવતા મહેલમાં ૨૭ હજાર ચોરસ ફૂટનું તો ગેસ્ટ હાઉસ છે. એમ્ફીથીયેટર, આઈસ હોકી રિંક, લાસ વેગાસને ટક્કર આપે એવો કેસિનો, નાઈટ ક્લબ, બાર સહિતની સવલતો આ મકાનમાં છે. પુતિન પોતાના ખાસ માણસો સાથે અઠવાડિયામાં બે-ત્રણ વાર પાર્ટીઓ કરે છે એવું કહેવાય છે. 

ઈટાલિયન આર્કિટેક્ટ લાનફ્રાન્સો સિરિલ્લોએ મકાનનું ડીઝાઈનિંગ કર્યું છે તેથી આ મકાનનું ફર્નિચર વર્લ્ડની સૌથી મોંઘી એવી ઈટાલિયમ સીટ્ટેરીયો અટેના બ્રાન્ડનું છે.  ૫ લાખ ડોલરનું ફર્નિચર તો ખાલી ડાઈનિંગ રૂમમાં જ છે જ્યારે ૬૦ હજાર ડોલરનું બાર ટેબલ છે. બાથરૂમમાં જ બે-બે હજાર ડોલરનાં ટોઈલેટ બ્રશ અને ટોઈટેલ પેપર હોલ્ડર છે.  લુઈ ૧૪માની સ્ટાઈલના સોફા, લોંજ ટેબલ, રીક્લાઈનર વગેરેનો ખડકલો કરેલો છે. આ મકાનમાં ૧૦૦ લોકોનો સ્ટાફ છે કે જે પુતિન પરિવારન જરૂરીયાતોને પૂરી કરે છે. સ્ટાફ માટે અલગ ક્વાર્ટર્સ છે ને કોઈને બહાર જવાની છૂટ નથી. જે પણ વસ્તુ જોઈએ એ પુતિનનો પર્સનલ સ્ટાફ મોકલી આપે છે. મકાનની સામે અદભૂત લેન્ડસ્કેપિંગ સાથે ભવ્ય ગાર્ડન બનાવાયો છે. આ ગાર્ડનના મેન્ટેનન્સ માટે ૪૦ લોકોનો સ્ટાફ છે અને વરસે બે કરોડ રૂપિયા ખર્ચાય છે. 

પુતિને આ ભવ્ય મહેલ રશિયન સરકારના હેલ્થ નામના પ્રોજેક્ટની કટકીમાંથી બનાવ્યો છે. રશિયાનાં લોકોની આરોગ્યની કાળજી લેવા માટે ૧.૩૦ ટ્રિલિયન રૂબલનો હેલ્થ પ્રોજેક્ટ હાથ ધરાયો ત્યારે મેડિકલ ઈક્વિપમેન્ટ પૂરાં પાડવાનો કોન્ટ્રાક્ટ પુતિનના મિત્રો શેમલોવ અને ગોરેલોવને અપાયેલો. 

બંનેએ બજાર ભાવ કરતાં ઉંચા ભાવે માલ આપીને ધૂમ કમાણી કરી ને તેમાંથી પુતિનને આ મહેલ બનાવી આપ્યો છે. શેમલોવ અને ગેરલોવે પોતાનાં ખાતામાંથી ૫.૬૦ કરોડ ડોલર બેલિઝની કંપનીના સ્વિસ બેંક એકાઉન્ટમાં જમા કરાવેલા. બેલિઝની કંપનીએ સિરિલ્લોની કંપની મીડિયા ઈન્વેસ્ટમેન્ટના ખાતામાં ૪.૮૦ કરોડ ડોલર ટ્રાન્સફર કરેલા. 

રશિયાના પ્રમુખનું સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન કહેવાય છે. ક્રેમલિનનો દાવો છે કે, આ મકાન રશિયન બિઝનેસમેનનું છે પણ આ જૂઠાણું છે. આ મકાનની આસપાસનો વિસ્તાર નો ફ્લાય ઝોન જાહેર કરાયેલો છે અને રશિયાની ફેડરલ સીક્યુરિટી એજન્સી એફએસબીના કમાન્ડો તેની સુરક્ષામાં તૈનાત રહે છે તેથી આ મકાન પુતિનનું જ છે તેમાં કોઈ શંકા નથી. પુતિન પાસે બીજાં આવાં ૧૯ મકાન હોવાનું કહેવાય છે. 

પુતિન પાસે ૭૦૦ કાર અને ૫૮ વિમાનો તથા હેલિકોપ્ટર્સ હોવાનું પણ કહેવાય છે. ધ ફ્લાઈંગ ક્રેમલિન તરીકે ઓળખાતું ૭૨ કરોડ ડોલર (લગભગ રૂપિયા ૬૦૦૦ કરોડ)નું પ્લેન તો અમેરિકાના પ્રમુખના સત્તાવાર પ્લેન એર ફોર્સ વનને ઝાંખુ પાડે એવું છે. 

આ સિવાય રશિયન નેવી દ્વારા બનાવાયેલું ૧૦ કરોડ ડોલરનું મેગાયોટ પણ છે કે જ્યાં લેવિશ પાર્ટીઓ થાય છે. પુતિન પાસે એક હજારથી વધારે મોંઘીદાટ રિસ્ટ વોચનું કલેક્શન પણ છે. ૫ લાખ ડોલરની એ. લેન્જ એન્ડ સોહને ટૌબોગ્રાફ  સહિતની ઘણી ફેન્સી ડીઝાઈનની રિસ્ટ વોચ પહેરીને પુતિન નિકળે છે. 

રશિયામાં છેલ્લાં ૨૫ વર્ષથી પુતિનનું એકચક્રી શાસન છે. પુતિન સામે બોલવાની કોઈની હિંમત નથી. 

પુતિન સામે પડનાર પતી જાય એવો ભવ્ય ભૂતકાળ છે તેથી રશિયાના ધનિકો પુતિનના પગોમાં આળોટે છે. રશિયામાં કામ કરવા માગતી બહારની કંપનીઓ પણ પુતિનને ખુશ રાખવા જે માગે એ આપે છે તેથી પુતિન ધનના ઢગલામાં આળોટે છે. 

પુતિન પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી એ રહસ્ય નથી પણ તેની શરૂઆત ક્યારથી થઈ તેનો કિસ્સો રસપ્રદ છે. ૨૦૦૩માં રશિયાની કોર્ટે અબજોપતિ મિખાઈલ ખોડોર્કોવસ્કીને ફ્રોડ અને કરચોરીના કેસમાં સજા કરી હતી. તેનાથી ફફડેલા અબજોપતિઓ પુતિનના શરણે ગયા. પુતિને બાંહેધરી આપી કે, ધનિકો પોતાના નફામાંથી ૫૦ ટકા પોતાને આપે તો તેમને કંઈ નહીં થાય. મજબૂર ધનિકો માની ગયા એ કહેવાની જરૂર નથી. 

પુતિન કોઈને કલ્પના ના આવે લેવિશ જીંદગી જીવે છે. રશિયન જાસૂસી સંસ્થાઓની રૂપકડી છોકરીઓથી વિંટળાયેલા રહેતા પુતિનની યુરોપનાં દેશોમાં ૧૦૦થી વધારે કંપનીઓમાં રોકણ હોવાનું કહેવાય છે. યુરોપના દેશો ઓઈલ માટે રશિયા પર નિર્ભર હતા તેથી પુતિને યુરોપમાં પણ બેસુમાર સંપત્તિ જમાવી છે એ જોતાં તેની સંપત્તિનો સાચો આંકડો ૨૦૦ અબજ ડોલરથી વધારે હોઈ શકે છે. વિશ્વમાં સૌથી ધનિક એલન મસ્કની સંપત્તિ ૩૨૦ અબજ ડોલર છે. પુતિન પાસે મસ્કથી પણ વધારે સંપત્તિ હોય એવી શક્યતા નકારી ના શકાય. પુતિનને મરડોકની પત્નિ વેન્ડી ડેંગ સાથે અફેર, લક્ઝરીયસ યોટ પર જલસા કરતાં

પુતિનના મીડિયા મોગલ રૂપર્ટ મરડોકની ત્રીજા નંબરની પત્નિ વેન્ડી ડેંગ સાથે સંબધો હોવાનું પણ કહેવાય છે. વેન્ડી ડેંગ પુતિનથી ૧૭ વર્ષ નાની છે. મરડોકે વેન્ડીને ૨૦૧૩ના જૂનમાં ડિવોર્સ આપ્યા તેના એક વર્ષ પછી પુતિને પણ ૩૦ વર્ષના લગ્નજીવનનો અંત લાવીને લ્યુડમિલા શ્ક્રેબનેવાને ડિવોર્સ આપ્યા હતા. 

૨૦૧૩માં ડેંગ પુતિનની સાથે સેંટ બાર્થમાં યોટ પર જોવા મળી હતી. રશિયન અબજોપતિ રોમન અબ્રામોવિચે પુતિનને ભેટમાં આપેલા યોટ પર બંને કપલની જેમ રહેતાં ત્યારે પુતિન વેન્ડીને પરણશે એવી વાતો ચાલી હતી. વેન્ડી કે પુતિન બંનેમાંથી કોઈને લગ્નમા રસ નહોતો. 

બંને જલસા કરવા ભેગાં થયેલાં એ સ્પષ્ટ હતું. 

વેન્ડીના બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર સાથેનાં અફેરના કારણે મરડોકે છૂટાછેડા આપેલા. 

વેન્ડીના આલ્ફાબેટ (ગુગલ)ના ચેરમેન એરિક સ્ક્મિત સાથે સંબંધો હોવાનું પણ કહેવાતું. મરડોક અમેરિકામાં ના હોય ત્યારે વેન્ડી બેવર્લી હિલ્સની હોટલમાં એરિક સાથે રાતોને રંગીન બનાવતી એવું પણ કહેવાતું. પુતિન તો વેન્ડીથી પણ રંગીન મિજાજ માણસ છે તેથી એકાદ વરસમાં તો આ સ્ટોરી પતી ગયેલી. વેન્ડીનું હંગેરીના ૨૭ વર્ષ નાના બેરટોલ્ડ ઝેહોરાન સાથેનું અફેર પણ ચર્ચામાં રહેલું જ્યારે પુતિનનાં લફરાંનો તો અંત જ નથી.32 વર્ષ નાની ‘બાર્બી ગર્લ’ કાત્યા 20 વર્ષથી પુતિનની ગર્લફ્રેન્ડ 

પુતિન એકસાથે ઘણી સ્ત્રીઓ સાથે અફેર રાખવા માટે પ્રખ્યાત છે પણ અત્યારે તેમની સૌથી નજીક એકાતેરીના ‘કાત્યા’ મિઝુલિના હોવાનું કહેવાય છે. રશિયન સેનેટર યેલેના મિઝુલિનાની પુત્રી ‘કાત્યા’ ૪૦ વર્ષની છે અને પુતિનથી ૩૨ વર્ષ નાની છે પણ પુતિન સાથે તેનું છેલ્લાં ૨૦ વર્ષથી અફેર હોવાનું કહેવાય છે. છેલ્લાં ૮ વર્ષથી પુતિન અને કાત્યા રોજ સમય સાથે ગાળે છે એવું કહેવાય છે.  બાર્બી જેવી દેખાતી કાત્યા યુનિવર્સિટી લંડનમાં ભણેલી છે અને હાઈલી ઈન્ટેલેક્ચ્યુઅલ ગણાય છે. સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાંથી આર્ટ હિસ્ટરી અને ઈન્ડોનેશિયલ લેંગ્વેજમાં ડીગ્રી મેળવનારી કાત્યાના પિતા મિખાઈલ મિઝુલિન રશિયામાં જાણીતા શિક્ષણવિદ મનાય છે. મોસ્કો યુનિવર્સિટીમાં ભણાવતા મિખાઈલ સાથેના પરિચયના કારણે ૨૦૦૨ના દાયકામાં પુતિન કાત્યાને પહેલી વાર મળેલા અને બંને વચ્ચે સંબધો બંધાયા હતા. પુતિન સાથેના સંબંધોના કારણે જ કાત્યાએ લગ્ન નહીં કર્યાં હોવાનું કહેવાય છે. કાત્યા સાથેના સંબંધોના કારણે તેની માતા યેલેના સેનેટર બની હોવાનું મનાય છે. 

કાત્યા રશિયામાં સેફ ઈન્ટરનેટ લીગની હેડ છે અને પુતિન વિરોધી પ્રચારને નિયંત્રિત કરવાનું કામ કરે છે. મિઝુલિના ખુલ્લેઆમ ઈન્ટરનેટ પર સેન્સરશિપની તરફેણ કરે છે. પુતિન કાત્યા સાથેના સંબંધોને છૂપાવી રાખવામાં સફળ રહ્યા હતા પણ પુતિને જેને જેલમાં મરાવી નાંખ્યા એ રાજકીય હરીફ એલેક્સેઈ નાવાલનીએ બંનેના સંબંધો વિશે ઓલ્ગા રોમાનોવાને કહ્યું પછી દુનિયાને ખબર પડી. ઓલ્ગા રોમાનોવા કેદીઓના અધિકારો માટે લડતી ચળવળકાર છે.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *