Sydney,તા.03
ઓસ્ટ્રેલીયા સામેની વર્તમાન શ્રેણીમાં રોહીત શર્મા, વિરાટ કોહલી જેવા ટોપ ઓર્ડર બેટરોની પરફોર્મન્સ મોટાભાગે ‘ફલોપ શો’ જેવુ જ રહ્યું છે.વિરાટ કોહલી આજથી સિડનીમાં શરૂ થયેલા અંતિમ ટેસ્ટ મેચમાં ‘શુન્ય’માં આઉટ થતા માંડ બચ્યો હતો.
ચોથા નંબરે બેટીંગ માટે આવેલા કોહલીને પ્રથમ દડે જ જીવતદાન મળ્યુ હતું. દડો બેટને છરકો કરીને સ્લીપમાં પહોંચ્યો હતો. સ્ટીવ સ્મીથે અદ્દભુત કેચ કર્યો હતો અને ઓસીઝ ખેલાડીઓ તેની ઉજવણી પણ કરવા લાગ્યા હતા.
ગ્રાઉન્ડ અમ્પાયરને શંકા જતા નિર્ણય ટીવી અમ્પાયર પર છોડવામાં આવ્યો હતો. ટીવી અમ્પાયરે કોહલીને નોટઆઉટ આપ્યો હતો. સ્મીથે કેચ પકડયો તે પૂર્વે દડાનો આંશીક ભાગ જમીનને સ્પર્શી ગયો હતો.
ટીવી અમ્પાયરના નિર્ણયથી સ્મીથ સ્તબ્ધ થયો હતો અને આ વાત માનવા તૈયાર ન હતો. જોકે અમ્પાયરના નિર્ણય સામે કાંઈ થઈ શકે તેમ ન હતું.ભારતીય કેમ્પે રાહતનો શ્વાસ લીધો હતો.