Virat Kohli નું બેટ આ વર્ષે ન ચાલ્યું, તેણે તમામ ફોર્મેટમાં માત્ર એક જ સદી ફટકારી

Share:

Mumbai,તા.૩૧

ભારતીય ટીમના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીનું બેટ આ વર્ષે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યું ન હતું અને તેણે ૨૦૨૪માં તમામ ફોર્મેટમાં માત્ર એક જ સદી ફટકારી હતી. કોહલી ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ સફળ રહ્યો નથી અને પર્થ ટેસ્ટની બીજી ઇનિંગને બાદ કરતાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે.

કોહલીની સતત નિષ્ફળતાના કારણે ભારતીય ટીમનો આ પૂર્વ કેપ્ટન ટી૨૦ ઈન્ટરનેશનલ બાદ ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહેશે કે કેમ તેની ચર્ચા તેજ થઈ ગઈ છે. જો કે, ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ અને લાંબા સમયથી કોહલી સાથે કામ કરનાર રવિ શાસ્ત્રીનું માનવું છે કે કોહલી વધુ ત્રણ-ચાર વર્ષ રમી શકે છે. શાસ્ત્રીને એ વાતની પણ ચિંતા નથી કે કોહલી કેવી રીતે આઉટ થઈ રહ્યો છે.

કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી સાથે કરી હતી. કોહલીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે સારો રહ્યો છે, તેથી બધાને તેની પાસેથી મોટી ઇનિંગની આશા હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. પર્થ ટેસ્ટમાં તેની સદી સાથે, કોહલી ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્‌સમેન બન્યો અને તેણે આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. કોહલી આ પછી ગતિ જાળવી શક્યો ન હતો અને આગામી ત્રણ મેચમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. પર્થ ટેસ્ટમાં સદી હોવા છતાં કોહલીના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે અને અત્યાર સુધી તેણે શ્રેણીમાં ૫, ૧૦૦ અણનમ, ૭, ૧૧, ૩, ૩૬ અને ૫ રનની ઇનિંગ્સ રમી છે.

ત્રણેય ફોર્મેટમાં કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે ૨૦૨૪માં કુલ ૩૨ ઇનિંગ્સ રમી અને ૨૧.૮૩ની એવરેજથી ૬૫૫ રન બનાવ્યા. આ દરમિયાન કોહલીના બેટમાંથી એક સદી અને બે અડધી સદી આવી હતી. કોહલીએ આ વર્ષે કુલ ૧૦ ટેસ્ટ મેચ રમી અને ૧૯ ઇનિંગ્સમાં ૨૪.૫૨ની એવરેજથી ૪૧૭ રન બનાવ્યા. આ વર્ષે, તેણે ટેસ્ટમાં એક સદી અને એક અડધી સદી ફટકારી હતી અને તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર અણનમ ૧૦૦ રન હતો.

કોહલીએ આ વર્ષે માત્ર ત્રણ વનડે મેચ રમી હતી, પરંતુ આ ફોર્મેટમાં તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. કોહલીએ ત્રણ મેચમાં ૧૯.૩૩ની એવરેજથી કુલ ૫૮ રન બનાવ્યા. રસપ્રદ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી એક પણ છગ્ગો નહોતો આવ્યો, જ્યારે તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ આ વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી ૨૦ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં અડધી સદી ફટકારી હતી અને ટીમની જીતમાં ભૂમિકા ભજવી હતી. એકંદરે, કોહલીએ ૨૦૨૪માં કુલ ૧૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી અને ૧૮ની સરેરાશથી કુલ ૧૮૦ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેનો સ્ટ્રાઈક રેટ ૧૧૯.૨૦ રહ્યો છે, જ્યારે તે માત્ર એક જ વાર ૫૦  સ્કોર કરી શક્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *