Brisbane,તા.૨૫
બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટમાં ભારતે ડ્રો હાંસલ કર્યા બાદ શ્રેણી હાલમાં ૧-૧ની બરાબરી પર છે. બોક્સિંગ ડે ટેસ્ટ ૨૬મી ડિસેમ્બરે પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે. ભારતીય ચાહકો વિરાટ કોહલી પર નજર રાખતા જ હશે કારણ કે વિરાટે પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત આપ્યા હતા, પરંતુ ત્યાર બાદ છેલ્લી બે ટેસ્ટ મેચમાં વિરાટનું બેટ શાંત રહ્યું હતું.
મેલબોર્નમાં વિરાટ કોહલીનો રેકોર્ડ સારો રહ્યો છે જેના કારણે ટીમ ઈન્ડિયા તેની પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખશે. કોહલીએ અહીં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણ ટેસ્ટ મેચમાં એક સદી સાથે કુલ ૩૧૬ રન બનાવ્યા છે. કોહલી હવે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈતિહાસ રચવાની નજીક છે અને તે આ મેચમાં મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર કુલ ૪૪૯ રન બનાવ્યા છે અને આ અત્યાર સુધીનો અતૂટ રેકોર્ડ રહ્યો છે. હવે જો વિરાટ કોહલી બોક્સિંગ ડે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ૧૩૪ રન બનાવી લે છે તો તે સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે.