New Delhi,તા.21
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો સ્ટાર પાવર માત્ર ક્રિકેટનાં મેદાન પર જ નહીં પરંતુ ક્રિકેટિંગ ગિયરના માર્કેટમાં પણ ધ્યાન ખેંચી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન પોડકાસ્ટર અને યુટ્યુબર નોર્મન કોચેનેક દ્વારા શેર કરવામાં આવેલાં એક તાજેતરનાં વિડિયોમાં કોહલીના એમઆરએફ જીનિયસ ગ્રાન્ડ કિંગ બેટની પ્રીમિયમ કિંમત દર્શાવવામાં આવી છે, જે ગ્રેગ ચેપલ ક્રિકેટ સેન્ટરમાં 2985 ઓસ્ટ્રેલિયન ડોલરમાં એટલે કે અંદાજે 1.64લાખ રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
આ બેટ પર કોહલીનો ઓટોગ્રાફ હોવાથી ક્રિકેટ રસિકો માટે આ બેટ કલેક્ટરની વસ્તુ બની ગયું છે. યુ ટ્યુબરે ઉમેર્યું કે બેટ તેની કસ્ટમાઇઝ્ડ બેગ સાથે આવે છે. ઉચ્ચ કિંમતનો ટેગ કોહલીની બ્રાન્ડ વેલ્યુને દર્શાવે છે. ઓસ્ટ્રેલિયામાં આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પ્રમોશનમાં વિરાટનો ચહેરો પ્રભુત્વ ધરાવે છે, જે ટીમનું નેતૃત્વ ન કરવા છતાં તેનાં કદની યાદ અપાવે છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024ને લઈને ભારતીય અને ઓસ્ટ્રેલિયાનાં ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયન મીડિયામાં આ સીરિઝનો જબરદસ્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કાંગારૂ ટીમ સામે વિરાટ કોહલીનો રેકોર્ડ સારો હોવાથી ઓસ્ટ્રેલિયાનાં ચાહકો તેને રમતાં જોવા માટે ઉત્સાહિત છે.
તાજેતરનાં અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ભારત ઓસ્ટ્રેલિયા પર્થ ટેસ્ટ લાઇવ જોવા કુલ એક લાખથી વધુ લોકો આવશે.કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી 24 મેચ રમી છે, જેની 42 ઇનિંગ્સમાં કોહલીએ અત્યાર સુધીમાં 1979 રન બનાવ્યાં છે. તેનો રેકોર્ડ પણ શાનદાર છે કારણ કે તેણે અત્યાર સુધીમાં 8 સદી અને પાંચ અડધી સદી ફટકારી છે.