Brisbane,તા.13
જ્યારે વિરાટ કોહલી કેપ્ટન હતો, ત્યારે તે તાલીમ સત્રો દરમિયાન દરેકનાં આકર્ષણનું કેન્દ્ર રહેતો હતો અને ગુરુવારે તેણે ફરીથી અહીં પ્રેક્ટિસ દરમિયાન તેનાં સાથી ખેલાડીઓને સંબોધિત કર્યા હતાં.
એડિલેડમાં ડે-નાઈટ મેચમાં 10-વિકેટની હાર બાદ ભારતીય ટીમને શ્રેણીની નિર્ણાયક ત્રીજી ટેસ્ટ રમતાં પહેલાં થોડી પ્રેરણાની જરૂર હતી અને ટીમનાં યુવાનોને માર્ગદર્શન આપવા માટે ‘કિંગ’ કોહલીથી સારો કોઈ ‘માર્ગદર્શક’ ન હોય શકે.
કોહલી જ્યારે કેપ્ટન હતો ત્યારે ટ્રેનિંગ સેશન દરમિયાન તે ખેલાડીઓ સાથે ઘણી વાતો કરતો હતો. સુકાની પદ છોડ્યાં બાદ તેને આ બંધ કર્યુ હતું. પરંતુ સતત ચાર હાર બાદ કેપ્ટન રોહિત પર ભારે દબાણ છે.
તેથી કોહલીએ શનિવારથી શરૂ થનારી મેચ પહેલાં પહેલ કરી હતી. કોહલી અને વાઈસ-કેપ્ટન જસપ્રિત બુમરાહ ખેલાડીઓ સાથે ઉત્સાહપૂર્વક વાત કરતાં જોવા મળ્યાં હતાં અને રોહિત સહિત બધાએ તેમની વાત ધ્યાનથી સાંભળી હતી.
રોહિત નવાં અને જૂના બોલ સાથે રમ્યો
રોહિતે નેટમાં નવાં અને જૂના બંને બોલનો સામનો કર્યો હતો. ગાબા ખાતેનાં તેનાં નેટ સત્ર દરમિયાન તે વધુ સારી સ્થિતિમાં દેખાતો હતો. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ફરીથી નેટ્સમાં નવાં બોલનો સામનો કર્યો હતો.
રોહિત શરૂઆતમાં થોડા જુના બોલથી રમ્યો હતો. પછી તે નવાં લાલ બોલથી પણ રમ્યો હતો. ટ્રેનિંગ સેશન બાદ રોહિત અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.